– ગુજરાતમાં વ્યાજખોરો સામે વ્યાપક ઝુંબેશમાં ૩૧૬ની ધરપકડ કરાઈ અને ૪૬૪ એફઆઇઆર દાખલ
અમદાવાદ : વ્યાજખોરીના વિષચક્રમાંથી નાગરિકોને બહાર કાઢવા માટે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી મેઘા ડ્રાઇવમાં છેલ્લા એક અઠવાડિયા દરમ્યાન ૭૬૨ વ્યાજખોરો સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે અને ૩૧૬ વ્યાજખોરોની ધરપકડ કરી છે, જ્યારે ૪૬૪ એફઆઇઆર દાખલ કરીને ઊંચા વ્યાજ વસૂલતા લોકો સામે કાયદાનો કોરડો વિંઝ્યો છે.
ગુજરાતમાં પાંચમી જાન્યુઆરીથી વ્યાજખોરો સામે વ્યાપક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.સમગ્ર ગુજરાતમાં જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ૯૩૬ લોકદરબાર યોજવામાં આવ્યા છે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ લોકોની વ્યથા સાંભળીને તેમની ફરિયાદોના નિકાલ માટે કાર્યવાહી હાથ ધરી છે આ લોક દરબારમાં ૪૬૪ પોલીસ ફરિયાદો નોંધવામાં આવી છે.આ ફરિયાદો અંતર્ગત ૭૬૨ આરોપીઓનાં નામ સ્પષ્ટ થતાં તેમના સામે કાર્યવાહી માટે ગુના નોંધીને એ પૈકી ૩૧૬ વ્યાજખોર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને એમાંથી ૪ આરોપીઓ સામે પાસા હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.