પરીવાર નહિ પણ ગુણવત્તાને આધારે ઉમેદવારો પસંદ કરવાનો ઢોલ પિટતા ભાજપમાં સરકારમાં કેબિનેટ મંત્રી,મલાઈદાર બોર્ડ- નિગમોના ચેરમેન,ધારાસભ્યો,મેયર અને કોર્પોરેટર રહેલા આગેવાનો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં ટિકિટની દાવેદારી માટે ભાઈ,બહેન,પુત્ર અને પત્ની સહિતના પરિજનોને આગળ ધરી રહ્યા છે.
પાલિકા- પંચાયતોમાં ઉમેદવારો નક્કી કરવા માટે ચાલી રહેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન ગુરૂવારે મોરબીમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સંગઠનના હોદ્દેદારોને ટિકિટની અપેક્ષા ન રાખવા સ્પષ્ટ પણ કહ્યુ હતુ.જો કે,આ પહેલા જ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના બહેન નિરાંતબહેન ધોલિયાએ રાજકોટમાં ભાજપના નિરીક્ષકો સમક્ષ તાલુકા પંચાયતની ટિકીટ માંગી ચૂક્યા છે. નિરાંતબહેન ધોલિયા વિછિંયા તાલુકા પંચાયતમાં પ્રમુખ રહી ચૂક્યા છે.
હવે ભાઈ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે તો તેમણે પણ કોંગ્રેસને બદલે ભાજપમાંથી ટિકીટની દાવેદારી કરી છે.વડોદરાના વઘોડિયાના મધુ શ્રીવાસ્તવની પત્નીએ તો જિલ્લા પંચાયતમાંથી ત્રણ બેઠકો માટે ટિકિટની માગંણી કરતા ભાજપના બીજા દાવેદારો સ્તબ્ધ થઈ ઉઠયા છે.શ્રીવાસ્તવને પહેલાથી ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરોશનમાં ચેરમેનપદ અપાયુ છે !
વડોદરામાં ડભોઈના ધારાસભ્ય અને કોર્પોરેટર શૈલેષ સોટ્ટાએ પણ પરીવાર માટે ટિકીટ માંગી છે.અમદાવાદના પૂર્વ મેયર અમિત શાહે પણ ચૂંટણી લડવા પુત્રને આગળ કર્યો છે.