કેન્દ્રની ટીમ કેમિકલ ઉદ્યોગો પાસે માહિતી મેળવી રિપોર્ટ તૈયાર કરશે.તથા કેમિકલ ઉદ્યોગ માટે અલગથી કાયદા બનાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.હાલમાં કેમિકલ ઉદ્યોગ માટે એક પણ કાયદો નહીં હોવાથી અરાજકતા છે.આગામી દિવસોમાં કેમિકલ ઉદ્યોગને ધ્યાને રાખીને અલગથી કાયદો બનાવવામાં આવશે.
અલાયદો કાયદો બનાવવા માટેના પ્રયાસ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યા
કેમિકલ ઉદ્યોગ માટે અલગથી કાયદો નહીં હોવાના કારણે અલાયદો કાયદો બનાવવા માટેના પ્રયાસ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યા છે.આ માટે કેન્દ્ર સરકારે એજન્સીને કામ સોંપીને તેનો રિપોર્ટ તૈયાર કરી સરકાર સમક્ષ રજૂ કરવા જણાવ્યું છે. જેથી આગામી દિવસોમાં કેમિકલ ઉદ્યોગને ધ્યાને રાખીને અલગથી કાયદો બનાવવામાં આવશે.તેમાં કેમિકલ ઉદ્યોગકારોએ કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવા સહિતના નિયમો બનાવવામાં આવનાર છે.
કેમિકલ માફિયાઓ પર આ નિયમ હેઠળ લગામ કસાશે
કેમિકલ ઉદ્યોગમાં એવા પણ લોકો છે કે જેઓ પાણી અને હવાનું પ્રદૂષણ ખુલ્લેઆમ કરી રહ્યા છે.પરંતુ આવા તત્ત્વો સાથે સરકારી અધિકારીઓની મિલીભગતમાં કાર્યવાહી પણ થતી નથી.તેમજ યોગ્ય નિયમ નહીં હોવાના લીધે તેઓ બચી જતા હોય છે. જ્યારે નિયમ જ બનાવી દેવામાં આવે તો તેઓ સામે પણ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં સરળતા ઊભી થઇ શકે સાથે સાથે પ્રામાણિકતાથી કેમિકલનો વેપાર કરનારાઓને પણ આવા નિયમને કારણે વેપાર કરવામાં વધુમાં વધુ લાભ થઇ શકે.જેથી નિયમ બનાવવામાં આવ્યા બાદ કેમિકલ માફિયા સામે લગામ કસાવાની પણ શક્યતા રહેલી છે.
સમગ્ર વિશ્વમાં છઠ્ઠા નંબર પર દેશનો કેમિકલ ઉદ્યોગ
સમગ્ર વિશ્વમાં છઠ્ઠા નંબર પર દેશનો કેમિકલ ઉદ્યોગ આવે છે,પરંતુ તેના માટે ખાસ કાયદા નહીં હોવાના લીધે અલગ અલગ ઉદ્યોગ માટે બનાવવામાં આવેલા કાયદાનું તેઓએ પાલન કરવાનું રહેતું હોય છે.જેના લીધે 25થી વધુ કાયદા હેઠળ કેમિકલ ઉદ્યોગકારની જવાબદારી હાલમાં નક્કી થતી હોય છે.જ્યારે છેલ્લા લાંબા સમયથી કેમિકલ ઉદ્યોગના વધતા વ્યાપને ધ્યાને રાખીને તેઓ માટે પણ અલગથી નિયમો બનાવવામાં આવે તે માટેની ચર્ચાઓ ઊઠી હતી.તે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા આગામી દિવસોમાં નિયમો બનાવવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે.કેન્દ્ર સરકારે એક એજન્સીને આ માટેની કામગીરી સોંપીને સમગ્ર દેશમાં જે પણ વિસ્તારમાં કેમિકલ ઉદ્યોગ હોય તે વિસ્તારની મુલાકાત લઇને ઉદ્યોગકારો સાથે ચર્ચા વિચારણા કરીને તેઓના અભિપ્રાય મેળવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.તેના ભાગરૂપે જ સુરતમાં થોડા દિવસ પહેલા એક બેઠકનું આયોજન કરાયું હતું.