ગુજરાતમાં કોરોના વાયરસનો સૌથી વધુ વ્યાપ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં દિવસે ને દિવસે કોરોના પોઝિટિવ કેસ સામે આવતાં જાય છે,તો સાથે જ અમદાવાદમાં કોરોનાને કારણે 3 લોકોનાં મોત પણ નિપજી ચૂક્યા છે. તેવામાં અમદાવાદમાં કોરોના વાયરસનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આમ અમદાવાદમાં કોરોનાના કુલ 22 કેસ પોઝિટિવ નોંધાઈ ચૂક્યા છે.તો રાજકોટ ગ્રામ્યમાં પણ એક યુવાનનો કેસ પોઝિટિવ આવ્યો હતો. આમ રાજકોટમાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો 9 થઈ ગયો છે. તો ગીર સોમનાથ અને પોરબંદરમાં એક કેસ પોઝિટિવ સામે આવ્યો છે.
અમદાવાદના વૈષ્ણોદેવી ખાતે રહેતો અને ખાનગી કંપનીમાં નોકરી કરતાં યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. યુવક 14 તારીખે મુંબઈથી અમદાવાદ આવ્યો હતો. અને તે જે ખાનગી કંપનીમાં કામ કરતો હતો ત્યાં કામ કરતાં એક યુવાનને કોરોનો પોઝિટિવ હતો. જેને કારણે લોકલ ટ્રાન્સમિશનને કારણે આ યુવાનને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની આશંકા છે.
રાજકોટમાં ગઈકાલે યુવકનો રિપોર્ટ શંકાસ્પદ આવ્યો હતો. જેને કારણે ફરીથી તેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આજે તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આ પહેલો પોઝિટિવ કેસ છે. અને 48 કલાક બાદ રાજકોટમાં પોઝિટિવ કેસ નોંધાયો છે. રાજકોટ ગ્રામ્યમાં કોરોના પોઝિટિવ આવેલ 36 વર્ષીય યુવાન ફ્રાન્સની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે.
પોરબંદરમાં 48 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો હતો. તો ગીર સોમનાથમાં પણ એક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો હતો. આમ ગુજરાતમાં કોરોના પોઝિટિવની કુલ સંખ્યા 61 થઈ ગઈ છે.ગુજરાતના 10 જિલ્લામાં કોરોના પોઝિટિવનાં કેસ નોંધાય ચૂક્યા છે.
હાલ તો યુવાનના સંપર્કમાં આવેલાં લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. અને યુવાન જ્યાં રહે છે તે જગ્યાએ સેનેટાઈઝની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા કુલ 22 કેસ થયા છે. તો ગુજરાતમાં કોરોનાના કુલ 61 કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાને કારણે 3 વ્યક્તિઓનાં મોત નિપજ્યા છે. જેને કારણે અમદાવાદીઓમાં ડરનો માહોલ છે.