ગુજરાતમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે રાજ્ય સરકારે આખા ગુજરાતને 31મી માર્ચ સુધી સંપૂર્ણ રીતે લોકડાઉન કરવાની જાહેરાત કરી દીધી છે. તેમ છતાં ગુજરાતમાં પોઝિટીવ કેસોની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને કોરોના મુદ્દે હાલની સ્થિતિ તેમજ સરકાર દ્વારા લેવામાં આવેલા ઉપાયોની માહિતી આપી હતી.
ગુજરાતમાં કોરોનાને લઈને એક ગંભીર સમાચાર મળી રહ્યા છે. રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ આજે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના પોઝિટિવના દર્દીઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. આજે પણ રાજ્યમાં બીજા 4 નવા કેસો સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 33 પર પહોંચી ગયો છે. સુરત અને ગાંધીનગરમાંથી આજે કોરોના પોઝિટીવના 2-2 નવા કેસ નોંધાયા છે. જેમાં એક દર્દીને વિદેશમાં ચેપ લાગ્યો હોવાની વાત જાણવા મળી રહી છે, જ્યારે કોરોનાના 3 દર્દીને સ્થાનિક સ્તરેથી ચેપ લાગ્યો હોવાની વાત સામે આવી છે.
આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ 33 કેસ પોઝિટિવ અને એક દર્દીનું મોત નિપજ્યું છે. જેમાં અમદાવાદમાં કોરોનાના 13 કેસ પોઝિટિવ, સુરતમાં કોરોના 6 પોઝિટિવ કેસ, 1નું મોત, વડોદરામાં 6 અને ગાંધીનગરમાં 6 કેસ પોઝિટિવ અને કચ્છ- રાજકોટમાં કોરોનાના 1 – 1 કેસ પોઝિટિવ નોંધાયા છે.
જયંતિ રવિએ જણાવ્યું કે ગુજરાતમાં કોરોનાના સંક્રમણનો બીજો અને ત્રીજા તબક્કાની શરૂઆતમાં થઈ ચૂકી છે. જેના કારણે હાલ એક કોરોનાના દર્દીમાંથી તેમના સંપર્કમાં આવેલા લોકોમાં કોરોના પ્રસરી રહ્યો છે. કોરોનાના ત્રીજા તબક્કાને ધ્યાને રાખીને સરકારે અગમચેતીના અનેક પગલાં ભર્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 27 હજાર લોકો વિદેશથી આવ્યા છે, જેમાંથી 11108 લોકોને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.
જયંતિ રવિએ જણાવ્યું કે, આપણી પાસે 1583 આઈસોલેશન બેડની વ્યવસ્થા છે. જેમાં સરકારી હોસ્પિટલમાં 609, ખાનગી હોસ્પિ.માં 1500 વેન્ટીલેટર ઉપલબ્ધ છે. હાઈપાવર કમિટીમાં લેવાયેલા ઘણાં નિર્ણયોની ગઈકાલે જાહેરાત થઈ ચૂકી છે. જેનું શહેરીજનોએ પાળવાનું રહેશે. તેમણે જણાવ્યું કે, હાલ રાજ્યની કપરી પરિસ્થિતિને ધ્યાનમાં લેતા દરરોજ સાંજે હાઈ પાવર કમિટીની બેઠક મળશે. તેમણે દર્દીના સંપર્કમાં આવતા હેલ્થ વર્કરોને પણ દરરોજ દવા લેવા માટે સૂચના આપી હતી. આ સિવાય વિદેશથી અને અન્ય રાજ્યોમાંથી 27000 લોકોનો સર્વે હાથ ધરવાની વાત કરી હતી. 104 પર ફોન આવતા દર્દીઓનો પણ સર્વે હાથ ધરાશે તેવી સૂચના અપાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ ભયાનક સ્તરે પહોંચી ગયો છે, 24 જ કલાકમાં 12 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. હવે ગુજરાતમાં પોઝિટીવ દર્દીઓનો આંકડો 30 પર પહોંચી ગયો છે. છેલ્લા 90 કલાકમાં જ આશરે 1400 ટકા કેસ વધ્યા છે. સૌથી વધુ 13 કેસ અમદાવાદમાં મળ્યા છે. આ સ્થિતિ જોતા હવે સમગ્ર રાજ્યમાં 31 માર્ચ સુધી લૉકડાઉન જાહેર કરાયું છે. તેનું કડકાઈથી પાલન કરાશે. આ મહામારીથી બચવાનો એક જ વિકલ્પ છે કે આપણે પોતાને સુરક્ષિત રાખીએ. પોતાના ઘરમાં જ રહીએ અને બને ત્યાં સુધી બીજા લોકો સાથે અંતર જાળવીએ.
ગુજરાતમાં 19થી 23 માર્ચ સુધીમાં 1400 ટકા પોઝિટિવ કેસ વધ્યાં છે. સોમવારે મળેલા 12 નવા કેસમાં 6 કેસ તો ચેપગ્રસ્ત દર્દીને કારણે લાગેલા ચેપના છે. એટલે હવે ગુજરાતમાં એક વ્યક્તિથી બીજા વ્યક્તિને ચેપ લાગવાનું ખતરનાક સ્ટેજ શરૂ થઈ ગયું છે એટલે સતર્ક રહેવાની જરૂર છે.