– સ્ટેટ મોનીટરિંગ સેલનો બુટલેગરો પર સપાટો
અમદાવાદ,તા.13 ડિસેમ્બર 2022,મંગળવાર : સ્ટેટ મોનીટરિંગ સેલે છેલ્લા કેટલાક સમયથી મોટા ગજાના બુટલેગરો પર સપાટો બોલાવતા વધુ એક સફળતા મેળવી છે.ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષથી ટ્રકો ભરી દારૂનો જથ્થો ઠાલવતા દિલીપ મારવાડીને પોલીસે ઝડપી લેતા દારૂના વેપારીઓમાં સોંપો પડી ગયો છે.દિલીપ અમદાવાદ ગ્રામ્યના બાવળા પોલીસ સ્ટેશનના એક તેમજ શહેરના બે ગુનામાં સામેલ છે. ૨૦૧૮થી આરોપી પોલીસને હાથતાળી આપી ભાગતો ફરતો હતો.
અમદાવાદ જીલ્લાના ત્રણ સહિત ગુજરાતમાં પ્રોહીબીશનના ૨૫ ગુના : ૨૦૧૮થી ફરાર હતો
ગુજરાતના મોસ્ટ વોન્ટેડ લિસ્ટેડ બુટલેગરોને ઝડપી લેવાની ડ્રાઈવ દરમિયાન સ્ટેટ મોનિટરીંગ સેલે જુદા જૂદા રાજ્યોમાંથી દારૂનો મોટો જથ્થો રાજ્યમાં ઠાલવતા તત્વો પર વોચ ગોઠવી હતી.દરમિયાન રવિવારે પોલીસે બાતમી આધારે બુટલેગર દિલીપ ઉર્ફ દલારામ ઉર્ફ દિલીપ મારવાડી શંકરભાઈ પ્રજાપતિ (મુડતરા ગામ,ભિનમાલ,ઝાલોર જીલ્લો, રાજસ્થાન)ને ઝડપ્યો હતો.દિલીપ વિરૂધ્ધ ગુજરાતમાં ૨૫ ગુના જેમાં અમદાવાદ ગ્રામ્યના બાવળા પોલીસ સ્ટેશનનો એક અને શહેરના બે ગુના નોંધાયા છે.પાંચ વર્ષ અગાઉ ૨૦૧૮માં દિલીપ વિરૂદ્ધ પ્રોહીબીશનનો ગુના દાખલ થયો ત્યારથી તે ફરાર હતો.પોલીસે દિલીપ મારવાડીની બાવળા પોલીસ સ્ટેશનના ગુનામાં ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.


