ગુજરાતમાં દારૂબંધીના નામે કેટલાય ભ્રષ્ટ લોકો અબજોમાં આળોટી રહયા છે અને કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં ઉતરે છે અને પીવાય છે દારૂબંધીનું નાટક હવે વિવાદ ઉભા કરી રહ્યું છે.ગતરોજ 15 જેટલા વાહનોમાં છેક હરિયાણાથી રાજસ્થાન ક્રોસ કરી ગુજરાતમાં દારૂ લાવવાની ઘટના જે રીતે પ્રકાશ માં આવી છે અને આયકર વિભાગે રેડ કરી છે તે જોતા ગુજરાતમાં દારૂ કેટલો ઉતરે છે તે એક માત્ર નાનકડું ઉદાહરણ છે બાકી,દમણ,મહારાષ્ટ્ર માંથી તો રોજ દારૂ ના કાર્ટૂન ટ્રેનોમાં જાય છે એમાંય વલસાડના વાપીથી દમણિયો દારૂ ટ્રેનમાં ચડે ત્યાંથી સુરતના ઉધનામાં ટ્રેન ધીમી પડે અને બૂટલેગર પોટલા લઈ ઉતરી જાય આ દ્રશ્યો વર્ષોથી ચાલ્યા આવે છે ક્યારેક હોબાળો થાય તો થોડા દિવસ શાંત થઈ પાછું ચાલુ થઈ જાય આ સિલસિલો વર્ષોથી ચાલ્યો આવે છે.આમ તો 1960માં ગુજરાતની રચના થઈ ત્યારથી જ ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે,જોકે બૉમ્બે સ્ટેટમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્ય બન્યાં હતાં પણ મહારાષ્ટ્રમાં દારૂબંધી નથી અને ગુજરાતમાં શરૂઆતથી જ છે જે માત્ર નામ પૂરતું જ છે.ચૂંટણી આવે અને રાજકીય ગતિવિધિઓના માહોલમાં ગુજરાતમાં ક્યારેક-ક્યારેક દારૂબંધી (પ્રોહિબિશન)નો મુદ્દો જાહેર ચર્ચામાં આવી જતો હોય છે પણ પાછું કોઈ યાદ કરતું નથી.ગુજરાતના રાજકીય ઇતિહાસમાં રાજ્યમાંથી સંપૂર્ણ દારૂબંધી હઠાવી લેવા મામલે કોઈ પણ રાજકીય પક્ષે સ્પષ્ટ અને કટિબદ્ધ વલણ નથી દર્શાવ્યું એ દર્શાવે છે કે આ પ્રશ્ન કેટલો જટિલ અને વિવાદિત હોઈ શકે છે.
તાજેતરમાં ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાંથી દારૂબંધી હઠાવવા મામલે નિવેદન આપ્યું હતું.જેમાં તેમણે કહ્યું કે ભાજપ-કૉંગ્રેસ બંનેને દારૂબંધી હઠાવવામાં રસ નથી,કેમ કે બંનેને લાભ થઈ રહ્યો છે.તેમણે વધુમાં એમ પણ કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી ઢોંગ છે અને તેને હઠાવી લેવી જોઈએ.જોકે,બીજી તરફ એ પણ સવાલ આવે કે તેઓના શાશન માં તેમણે દારૂબંધી હટાવવા કઈ કર્યું ન હતું.
બીજી તરફ સત્તારૂઢ ભાજપ કહેતો આવ્યો છે કે ગુજરાતની પ્રગતિ-શાંતિ-સુરક્ષામાં દારૂબંધીનું પરિબળ મહત્ત્વનું રહ્યું છે.પરંતુ રાજ્યના જ કેટલાક નાગરિકો સોશિયલ મીડિયા મારફતે દારૂબંધી હઠાવવા માટે અભિયાન ચલાવી રહ્યાં છે.તેમનું માનવું છે કે પ્રોહિબિશનને કારણે ભ્રષ્ટાચારને વેગ મળે છે અને ગુજરાતીઓ સાથે અન્ય રાજ્યોના લોકોની સરખામણીએ ભેદભાવ થઈ રહ્યો છે.ગુજરાતના પ્રોહિબિશન ઍક્ટના અમલ મામલે પોલીસની ભૂમિકાઓ પર પણ સવાલો ઊઠતા રહ્યા છે.
ગુજરાતમાં દારૂબંધી (પ્રોહિબિશન)ના મુદ્દા અને પોલીસની ભૂમિકા સહિતની બાબતો વિશે પૂર્વ આઈપીએસ અધિકારી રાહુલ શર્માએ બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ગુજરાતમાંથી દારૂબંધી હઠાવવી જોઈએ.તેઓના મતે “ગુજરાતમાં દારૂબંધી હઠાવવાથી સંબંધિત ભ્રષ્ટાચાર દૂર થશે અને ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ પણ ઘટી શકે છે.ખરેખર ક્રાઇમ રેટ વધવા માટે માત્ર દારૂના સેવનનું પરિબળ જવાબદાર નથી હોતું.તેની પાછળ અન્ય ઘણાં કારણો હોય છે.” “વળી જો ક્રાઇમ અગેઇન્સ્ટ વિમેન સાથે થતાં ગુનાની વાત કરીએ,તો જે રાજ્યોમાં દારૂબંધી નથી તેવાં રાજ્યો ગુજરાત કરતાં સારી સ્થિતિમાં છે.”
આમ ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા હોવા છતાં ગુજરાતમાં મોંઘીદાટ વિદેશી બ્રાન્ડનો દારૂ મળે છે અને પાર્ટીઓ પણ થાય છે ફર્ક માત્ર એટલો છે કે બીજા રાજ્યો કરતા દારૂની કિંમત વધુ ચૂકવવી પડે છે.


