ગાંધીનગર : અત્યારે દેશભરમાં દિલ્હીના શિક્ષણ મોડેલની ખૂબ ચર્ચા ચાલી રહી છે ત્યારે ભારત સરકારના હાલના જ એક અહેવાલ મુજબ ગુજરાતમાં ધો.૧૦થી વધુ એટલે કે સેકન્ડરી એજ્યુકેશન મેળવનારાઓની સંખ્યા ૩૭ ટકા જેટલી છે.જે દેશની ૩૯ ટકાની સરેરાશ કરતાં ૨ ટકા ઓછી છે.રાજ્ય સરકાર દ્વારા ભલે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ સુધરી રહી હોવાના દાવા કરાઈ રહ્યાં છે પરંતુ જાહેર થયેલા આંકડા કહે છે કે,ગુજરાતમાં અક્ષરજ્ઞાન ન ધરાવનારાઓની સંખ્યા ૧૭.૫ ટકા જેટલી છે.જ્યારે પ્રાઇમરી સુધી શિક્ષણ પ્રાપ્ત કરનારાઓની ટકાવારી ૨૨.૭ ટકા,ધો.૬થી ૯ સુધીના માધ્યમિક સુધીનો અભ્યાસ કરનારાઓની ટકાવારી પણ ૨૨.૭ ટકા જેટલી છે.ધો.૧૦ સુધીનું સેકન્ડરી સુધીનું શિક્ષણ હાંસલ કરનારાઓની ટકાવારી ૧૪ ટકા,હાયર સેકન્ડરી સુધી ભણેલાઓની ટકાવારી ૧૨ ટકા જેટલી છે.એનો અર્થ એ કે,ગુજરાતમાં પ્રાઇમરી,માધ્યમિક,સેકન્ડરી કે હાયર સેકન્ડરી સુધી પહોંચ્યા બાદ શાળા છોડી જવાનો દર ખૂબ ઊંચો છે.
ગુજરાતમાં ગ્રેજ્યુએટ થનારા વિદ્યાર્થીઓ ૯ ટકા અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ ૨.૭ ટકા જેટલા છે.જ્યારે બીજી રીતે કહીએ તો,ધો.૧૦થી વધુ અભ્યાસ કરનારાઓની સંખ્યા ૩૭ ટકા જેટલી છે.એમાં દેશની સરેરાશ ૩૯ ટકા છે એટલે કે,સેકન્ડરીથી વધુ ભણનારા વિદ્યાર્થીઓની દેશની સરેરાશ ૩૯ ટકાની ટકાવારીથી ગુજરાતની ટકાવારી ૨ ટકા ઓછી છે.આ આંકડા ગુજરાત સરકારના દાવાઓની સામે શિક્ષણની વાસ્તવિક સ્થિતિનું ચિત્રણ કરી રહ્યાં છે.
ગુજરાતના ગ્રામ્ય વિસ્તાર તરફ નજર કરીએ તો અહીં ધો.૧૦થી વધુ એટલે કે સેકન્ડરીથી વધુ ભણનારાઓની સંખ્યા ૨૭.૭ ટકા જેટલી છે.જે દેશની ૩૮.૫ ટકાની સરેરાશ કરતાં લગભગ ૧૧ ટકા જેટલી ઓછી છે.ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં સ્નાતક(ગ્રેજ્યુએટ) કક્ષા સુધી પહોંચનારાઓની સંખ્યા ૪.૩ ટકા અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરનારા ૧.૧ ટકા જેટલા છે.શહેરી વિસ્તારોમાં ગ્રેજ્યુએટ થનારાઓની સંખ્યા ૧૪.૬ ટકા અને પોસ્ટ ગ્રેજ્યુએટ થનારાઓની સંખ્યા ૪.૮ ટકા જેટલી છે.
અહીં ગુજરાતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન જેવું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનારાઓની સંખ્યામાં પણ મોટો તફાવત છે.ગ્રામ્યની સરખામણીમાં શહેરોમાં ગ્રેજ્યુએટ થનારા ૧૦ ટકા વધુ અને પોસ્ટ ગ્રેજ્યુએટ થનારા ૩ ટકાથી વધુ છે.જે સ્પષ્ટ કરે છે કે,રાજ્યના શહેરોની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારોની વસતિ હોવા છતાં શિક્ષણની સુવિધાઓના અભાવને પરિણામે શિક્ષણના સ્તરમાં ઘણો મોટો તફાવત જાહેર થયો છે.


