– નાના વેપારીઓ માટે સરકાર રાહત આપે તે માટે કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સની માંગ
નવી દિલ્હી તા. ૭ : ગુજરાતના સાડાચાર લાખ સહિત દેશના ૧૬ કરોડથી વધુ નાના ટ્રેડર્સ અર્થ વ્યવસ્થાનો આધાર સ્તંભ છે.આ વેપારીઓ રોજનો દેશમાં ૧પ,૦૦૦ કરોડનો ધંધો કરતા હોય છે.હવે કોરોનાને કારણે અમલમાં આવેલા લોકડાઉનને કારણે નાના વેપારીઓના સ્થિતિ દયનીય બની રહી છે. દેશભરમાં ૧૦ ટકા વેપારીઓને ધંધો બંધ કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.ગુજરાતના પ૦,૦૦૦ થી વધુ નાના વેપારીઓને જો સરકારને યોગ્ય સહાય ન મળ્યો તો આગામી દિવસમાં પોતાનો ધંધા બંધ કરશે તેમ કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના પ્રમોદ ભગતે જણાવ્યું હતું.કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના અગ્રણી પ્રમોદ ભગતના જણાવ્યા મુજબ કોરોનાની મહામારી વચ્ચે નાના વેપારીઓએ જીવના જોખમે પણ સરકારના આદેશ મુજબ જીવન જરૂરિયાતની વસ્તુઓની દુકાનો ખુલ્લી રાખી લોકોને મદદરૂપ બન્યા છે બીજી તરફ લાખો નાના વેપારીઓને દુકાનો બંધ હોવાથી તેમને એક રૂપિયાની પણ આવક થઇ નથી તેમ છતાં તેમના ફિકસ ખર્ચ જેમ કે વ્યાજ દુકાનનું ભાડું બેંકના વ્યાજ કર્મચારીઓનો પગાર વગેરે તો ચાલુ જ છે જેને પગલે તેમની આર્થિક સ્થિતિ ડામાડોળ થઇ ગઇ છે.૧૦% વેપારીઓ એવા છે કે જેમને એક મહિના સુધી ધંધો બંધ રહે તો માથે દેવું થઇ જવાથી તેમને પોતાનો ધંધો બંધ કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.જો આ પરિસ્થિતિમાં સરકાર નાના ટ્રેડર્સને મદદ ન કરે તો ચોકકસ ૧૦ ટકાથી વધુ એટલે કે માત્ર ગુજરાતમાં જ પ૦,૦૦૦ થી વધુ નાના વેપારીઓએ પોતાનો ધંધો બંધ કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થશે.


