ગુજરાતના સુરતમાં રેમડિસિવિર ઇંજેકશન ભાજપ કાર્યાલય પરથી વિતરણ થયા એ બાબતે ભારે હોબાળો મચેલો છે. કાયદો શું કહે છે તેની અમે જાણકારી આપીશું,પણ એ પહેલાં આખી ઘટનાને સંક્ષિપ્તમાં જાણી લઇએ.
સુરતમાં રેમડિસિવર ઇંજેકશનની અછત હતી અને સુરત જિલ્લા કલેકટરે પહેલાં જાહેરાત કરી કે લોકોને લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી,ખાનગી હોસ્પિટલોને ઇંજેકશન પહોંચાડાશે અને એ રીતે દર્દીને મળી જશે.તે વખતે કલેકટરે 3000 જેટલો ઇંજેકશનનો જથ્થો હોવાની વાત કરી હતી.બીજે દિવસે સુરત કલેકટરે જાહેરાત કરી કે હવે ખાનગી હોસ્પિટલને આપી શકાય એટલો રેમડિસિવીર ઇંજેકશનનો જથ્થો નથી.તો એ જ દિવસે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ભાજપ કાર્યાલય પરથી 5000 ઇંજેકશન વિતરણ કરવાનું આહવાન કર્યું.ગુજરાતના મુખ્યમંત્રીને પણ જયારે પુછવામાં આવ્યું કે ઇંજેકશનનો જથ્થો આવ્યો કયાંથી? તો તેમણે કહ્યું કે મને ખબર નથી. સી.આર.ને પુછો.
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ બાબતે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ભાજપ રેમડિસિવિર ઇંજેકશનની સંગ્રહખોરી કરી રહી છે જે કાયદાની વિરુધ્ધ છે.સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ નૈષધ દેસાઇએ સી.આર. પાટીલની ધરપકડ કરવાની કલેકટરને રજૂઆત કરી હતી અને પગલાં ન લેવાઇ તો હાઇકોર્ટ જવાની ચિમકી આપી હતી.કોંગ્રેસની પ્રતિક્રિયા સામે સી.આર. પાટીલે જવાબ આપ્યો હતો કે હું કોંગ્રેસની ધમકીથી ડરવાનો નથી.ઇંજકેશનનું વિતરણ તો ચાલુ જ રહેશે. સી.આર. પાટીલે કહ્યું હતું કે લોકોની સેવા માટે ઇંજેકશન વિતરણ કરવામાં આવી રહ્યા છે.તો આટલી સંક્ષિપ્ત વિગત હતી.હવે કાયદો શું કહે છે તે જાણો
ગુજરાતમાં દવાના વેચાણની દુકાનનું લાયસન્સ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ આવતા ફુડ અને ડ્રગ્સ વિભાગ દ્રારા આપવામાં આવે છે.કોઇ પણ વ્યકિતએ દવા વેચવા માટે ડ્ર્ગ્સ એન્ડ કોસ્મેકિટકસ એકટ,1940 મુજબ લાયસન્સ લેવું પડે છે.ગુજરાત હાઇકોર્ટના વકીલઆનંદ યાજ્ઞિકનું કહેવું છે કે બીજેપી જે રીતે દવાનું વિતરણ કરી રહી છે તે ફુડ એન્ડ ડ્રગ્સના કાયદાનું ઉલ્લંધન છે.આ પહેલાં સરકારે જે લોકોએ આવું કર્યું હતું તેની સામે પેન્ડેમિક એકટ હેઠળ મામલા નોંધાવ્યા છે.એટલે સરકારે તેમની સામે પણ પગલાં લેવા જોઇએ જેમણે ઇંજેકશનના કાર્યાલય પરથી વિતરણ કર્યા છે.તેમણે કહ્યુ કે કોરોના મહામારીને કારણે વેકસીન અને કેટલીક અન્ય દવાઓ કંપનીઓ સીધા બજારમાં વેચી શકતી નથી.મોટાભાગનો સ્ટોક સરકારને આપવામાં આવે છે.
યાજ્ઞિકે કહ્યું કે એવામાં જીવન બચાવવા માટે જરૂરી ઐટલો મોટો સ્ટોક એક જ વ્યકિત પાસે કેવી રીતે આવ્યો? સરકારે ગેરકાયદે રેમડિસિવર વેચવા વાળા લોકો સામે અગાઉ કાર્યવાહી કરી છે તો હવે સરકારે બીજેપીના જવાબદાર લોકો સામે પણ કાર્યવાહી કરવી જોઇએ.વકીલ યાજ્ઞિકે કહ્યું કે સી.આર. પાટીલ પોતે જ સરકાર હોય તેવું વર્તન કરી રહ્યા છે.એક પાર્ટી પ્રમુખ અને મુખ્યમંત્રી વચ્ચે શું ફરક હોય તે વાત પાટીલ ભુલી ગયા છે.
ગુજરાત હાઇકોર્ટના વકીસ શમશાદ ખાન પઠાણનું કહેવું છે કે ડ્ર્ગ્સ એન્ડ કોસ્મેટિકસ કાયદા હેઠળ લાયન્સ વગર દવા વેચવા માટે 3 સાલની સજા અને 5 હજારનો દંડ અથવા બનેંની જોગવાઇ છે.પઠાણે કહ્યું કે જયારે પ્રિસ્કીશન વગર દવા આપી શકાતી નથી તો સામાન્ય લોકો આવી દવાનું વિતરણ કેવી રીતે કરી શકે.?
જોકે, આની બીજી બાજુ જોઇએ તો કેટલાક જાણકારોનું એવું કહેવું છે કે કાયદો વેચવા માટે છે.જો તમે રૂપિયા લઇને કોઇને વેંચતા હો તો કાયદો તેની ઉપર લાગુ પડે.પરંતુ ભાજપે જે ઇન્જેક્શન આપ્યા છે તેમાં તેમણે રૂપિયા લીધા નથી એટલે કાયદો તેમની ઉપર લાગુ પડે નહીં.અહીં નફો કરવા માટે સંગ્રહખોરી કરવાનો કાયદો લાગતો નથી.એટલે ભાજપે કાયદાનો ભંગ કર્યો તેમ કહી શકાય નહીં.
જોકે, અંતે તો કોર્ટ જ નક્કી કરી શકશે કે કાયદાનો ભંગ થયો છે કે નહીં. જોકે, કોઇ કોર્ટમાં જશે કે નહીં તે સવાલ છે.કોંગ્રેસે ચીમકી આપી છે પરંતુ તે ખરેખર કોર્ટમાં જશે કે નહીં તે તો સમય જ બતાવશે.


