જામનગર પાસે ધસમસતા પ્રવાહમાં સ્કૂલ-બસ પલટી ગઈ,વાપીમાં સ્કૂલ-બસ ફસાઈ અને જામકંડોરણા–ગોંડલ વચ્ચે પુલ ધરાશાયી થયો:સદ્નસીબે તમામ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે નાની-મોટી નદીઓ,વહેળા,નાળાંઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ગઈ કાલે ભારે વરસાદ અને વરસાદી પાણીના ધસમસતા પ્રવાહમાં એક સ્કૂલ-બસ પલટી થઈ ગઈ હતી,જ્યારે વાપીમાં રેલવે અન્ડરપાસમાં ભરાયેલાં વરસાદી પાણીમાં એક સ્કૂલ-બસ ફસાઈ ગઈ હતી અને જામકંડોરણા–ગોંડલ વચ્ચે ફોફળ નદીમાં આવેલાં પૂરને કારણે પુલ ધરાશાયી થયો હતો.આ તમામ ઘટનાઓમાં સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.
સૌરાષ્ટ્રમાં ગઈ કાલે પડેલા ભારે વરસાદના કારણે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના વડાલા ગામે નદીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી ખાનગી સ્કૂલની બસ અચાનક પલટી ગઈ હતી.એક તરફ પાણીનો વહી રહેલો પ્રવાહ અને બીજી તરફ વિદ્યાર્થીઓ સાથેની સ્કૂલ-બસ પાણીમાં પલટી જતાં લોકોના જીવ ઊંચા થઈ ગયા હતા.આ ઘટના બનતાં ગ્રામજનો વિદ્યાર્થીઓને બચાવવા દોડી ગયા હતા.બીજી તરફ ફાયરબ્રિગેડને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચીને ગ્રામજનો સાથે મળીને રેસ્ક્યુ ઑપરેશન હાથ ધર્યું હતું.જેસીબી મશીન અને દોરડાંની મદદથી એક પછી એક નવ વિદ્યાર્થીઓ,બે શિક્ષક અને ડ્રાઇવરને બહાર કાઢીને બચાવી લેવામાં આવ્યા હતા.
દક્ષિણ ગુજરાતના વાપીમાં ગઈ કાલે સવાર-સવારમાં ૬થી ૮ વાગ્યા દરમ્યાન પોણાબે ઇંચ જેટલો અને દિવસ દરમ્યાન પોણાચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.વરસાદના કારણે વાપીના રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં.આ પાણીમાંથી સ્કૂલ-બસ પસાર થતાં ફસાઈ ગઈ હતી.બસમાં બેઠેલા ૨૦ જેટલા વિદ્યાર્થીઓને હેમખેમ બહાર ઉતારી દેવામાં આવ્યા હતા અને લોકોએ ધક્કા મારીને બસને બહાર કાઢી હતી.
ગઈ કાલે પડેલા ભારે વરસાદના પગલે જામકંડોરણા–ગોંડલ વચ્ચે સ્ટેટ હાઇવે પર ફોફળ નદીમાં પૂર આવ્યાં હતાં.નદીના ધસમસતા પ્રવાહમાં સ્ટેટ હાઇવે પરના બ્રિજનો ભાગ ધસી પડ્યો હતો,જેના કારણે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો અને પોલીસ તેમ જ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.દ્વારકા પાસે ભાવરા–મુલવારસા વચ્ચે બેઠા પુલ પરથી ગઈ કાલે નદીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થતી એક કાર ખેંચાઈ ગઈ હતી.સદ્નસીબે આ કાર આગળ જઈને અટકી ગઈ હતી.કારમાં બેઠેલા ત્રણ યુવાનો જીવ બચાવવા કારના બોનેટ પર ચડી ગયા હતા.આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી જઈને ફસાયેલા ત્રણ યુવાનોને રેસ્ક્યુ કરીને સલામત રીતે બહાર કાઢ્યા હતા.


