રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈ ગુજરાતમાં 225 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. 18 સ્ટેટ હાઈવે, 207 પંચાયત હસ્તકના રસ્તા બંધ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં બંધ કરાયેલા રસ્તાઓમાં સુરતના 6, વડોદરા, રાજકોટના 1-1 હાઈવે બંધ કરવામાં આવ્યો છે. આ સિવાય સ્ટેટના 18 રસ્તાઓ અને પંચાયતના 207 રસ્તાઓ બંધ છે.વડોદરા,છોટાઉદેપુર,ભરૂચ,તાપી,રાજકોટ,દેવભુમી દ્વારકા,સુરેન્દ્રનગર અને પોરબંદરના 1-1 સ્ટેટ હાઈવે બંધ કરાયા છે,જ્યારે પંચાયતના 207 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેમાં વડોદરા 10, નર્મદા 4, છોટાઉદેપુર 1, દાહોદ 2, ભરુચ 2, સુરત 94, તાપી 44, નવસારી 17, વલસાડ 15, ડાંગ 9, રાજકોટ 1, દેવભુમી દ્વારકા 2, જુનાગઢ 3 અને પોરબંદર જિલ્લાના 3 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે.રાજ્યમાં આજે 10 વાગ્યા સુધીમાં 154 તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે.સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં નોંધાયો છે.સુરતના કામરેજમાં 4 ઈંચ, માંડવીમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉમરપાડામાં 3.5 ઈંચ,ઓલપાડમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે.સુરતના સુરત સીટી અને ઓલપાડમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો નોંધાયો છે,જ્યારે સુરતના માંગરોલ અને બારડોલીમાં બે ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે.
સરદાર સરોવર ડેમમાં પણ પાણીની જોરદાર આવક થઈ છે. પાણીની આવક થતા ડેમની જળસપાટી 120 મીટર પર પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી 28000 ક્યુસેક પાણીની આવક થઈ છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં 31 સેન્ટિમીટરનો વધારો થયો છે. આજે જળસપાટી 120 મીટર પર પહોંચી ગઈ છે. હજી પણ 1200 મેગાવોટનાં રિવર બેડ પાવર હાઉસના તમામ યુનિટી બંધ છે. ડેમમાં કુલ જીવંત જથ્થો 1173 મિલિયન ક્યુબીક મીટર છે.
છેલ્લા 3 દિવસથી નવસારી શહેર અને જિલ્લામાં વરસાદની ધમાકેદાર બેટિંગના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પર અસર જોવા મળી હતી. શહેર સ્ટેશન વિસ્તાર અને વિજલપોર ફાટક પર આવેલ ગરનાળામાં પાણી ભરાઈ જતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લાની નદીઓ પણ બન્ને કાંઠે ગઈકાલથી વહેતી થતા એક બાજુ ધરતીપુત્રો માટે પણ સુખદ સમાચાર બન્યા છે.
અમરેલી જિલ્લામાં ભરપૂર અને સારો વરસાદ થયો છે.ત્યારે જિલ્લાની તમામ નદીઓ એક બે કાંઠે તો ક્યાંક નવા નીરથી છલકાઈ રહી છે ત્યારે લાઠીમાં આવેલ ગાગડીયો નદી ભરપૂર થતાં લોકોમાં અનેરો આનંદ જોવા મળ્યો છે.અમરેલી જિલ્લાનું લાઠી ગામે આવેલ ગાગડીયો નદીમાં છેલ્લા પાંચ દિવસમાં વરસાદથી નવા નીરથી છલકાઇ રહી છે અને ગાગડીયો નદીમાં પુરાવતા લોકોમાં એક અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આ ગાગડીયો નદીમાં અવિરત આવી રહેલા નવા નીરથી આસપાસના ગામોમાં ખેતી અને પીવાલાયક પાણી માટે હવે મુશ્કેલીઓમાંથી રસ્તો મળી ગયો છે.
લાઠીમાં પ્રવેશ કરવા માટેના કોઝવે પણ ધીમે ધીમે ડૂબી રહ્યો હોય તેવું લાગે છે, અને કેટલાક લોકોએ તો આ ખળખળ વહેતા નીરમાં પોતાના વાહનો પણ સાફ કરવાની કામગીરી હાથ ધરી છે.જ્યારે લાઠી શહેર નજરાણું ગણાતો આ ગાગડીયો નદી લાઠીના લોકો માટે ગૌરવ અને આનંદની વાત કહી શકાય.ભરપૂર આવેલા પાણીથી ભગવાનનો પણ આભાર માન્યો છે.
રાજકોટ જિલ્લામાં પડેલા ભારેથી અતિભારે વરસાદના કારણે 9 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે.રાજકોટ જિલ્લાના ન્યારી,મોજ,ફોફળ,વાછકપરી ડેમ ઓવરફ્લો થયો છે. છાપરવાડી, વેરી, ખોડાપીપર ડેમ પણ ઓવરફ્લો થયો છે.રાજકોટના ન્યારી 1 ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે.રાજકોટ જિલ્લાના 9 ડેમ ઓવરફ્લો થયા છે.રાજકોટના મોજ ડેમ, ફોફળ ડેમ,સોન્ડવદર,વાછકપરી,વેરી,ખોડાપીપર,છાપરવાડી એક અને છાપરવાડી બે ડેમ ઓવરફ્લો થયા છે.લાલપરી તળાવ પણ ઓવરફ્લો થયું છે. નાયરી 1 ડેમ લેવલ જાળવી રાખવા 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. આજીડેમ 1 માં ઓવરફ્લો થવામાં 2 ફૂટ બાકી છે.તો ભાદર 1 ડેમમાં નવા નીરની આવક ચાલું છે.
સુરતના ઓલપાડમાં પણ જોરદાર વરસાદી માહોલ જામ્યો છે.ઓલપાડના માણી ફળિયામાં પાણી ફરી વળ્યા છે.ઘરમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. નીચાળવાળા વિસ્તારમાં ભરાયા પાણી છે.ઓલપાડ હાથીસા રોડ પર સતત બીજા દિવસે પાણીથી ભરેલા છે.
સુરત ખાતે હાલ ભારેથી અતિભારે વરસાદના કારણે હિલ્સ સ્ટેશન જેવો માહોલ છવાયો છે. છેલ્લા 24 કલાકથી સુરતમાં વરસાદ યથવાત છે.સુરતના મજુરા, ખટોદરા, વરાછા, કાપોદ્રા, રાંદેર, ગોડ દોડ રોડ, ઉધના સહિતના વિસ્તારોમા વરસાદ પડી રહ્યો છે.
સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.ભારે વરસાદ થતા નદી નાળા છલકાયા છે.ઉમરપાડામાં મહુવન નદી અને વીરા નદીમાં પૂરની સ્થિતિ છે. ઉમરપાડામાં ધોધમાર વરસાદથી જન જીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદને પગલે નદી,ચેક ડેમો ઉભરાઈ ગયા છે.ઉમરપાડાની વીરા નદીમાં પાણીની ભારે આવક થછઈ છે. ઉમરપાડાની મોટા ભાગની નદીઓ ગાંડી તુર બની છે.નદીઓમાં પાણીની આવક થતાં મોટે ભાગના લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયા છે.
જૂનાગઢ ગિરનારમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢમાં આવેલ દામોદર કૂંડમાં પાણીની આવક થતા ઓવરફ્લો થયો છે. આ સિવાય ગિરનાર ઉપર પણ ભારે વરસાદ પડ્યો છે. ત્રણ ઇંચ વરસાદ પડતા નદી નાળા છલકાઈ ગયા છે.
વલસાડમાં કપરાડાની નદીઓમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે.વલસાડના કોલક, પાર,દમણગંગા નદીમાં પૂરની સ્થિતિ છે.કપરાડા-પારડીનો કોઝ-વે પાણીમાં ગરકાવ થયો છે.વલસાડના કપરાડા તાલુકામાં ભારે વરસાદ થતા તાલુકાની કોલક,પાર અને દમણગંગા નદી ભારે પુરની સ્થિતિ,કોલક નદીના કોઝવે રોડ પર પાણી ફરી વળ્યા છે.કપરાડા અને પારડી ગામડા કોલક નદીના કોઝવે પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે.અરનાલા અને પાટી ગામ વચ્ચેથી પસાર થતી કોલક નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે.15થી 20 જેટલા ગામોને આ બ્રિજ અસર કરે છે.તેમજ વાપી સેલવાસ જતા કામદારો પણ આ જ બ્રિજનો ઉપયોગ કરે છે.રોજિંદા કામદારો વાહન ચાલકો જીવ જોખમમાં મૂકી કોઝવે પરથી જઈ રહ્યા છે.


