ગાંધીનગર : આમ આદમી પાર્ટી શાસિત દિલ્હી અને પંજાબની સરકાર લોકોને મફત વીજળી આપી શકે છે તો ગુજરાતમાં ભાજપ સરકાર મફત વીજળી કેમ નથી આપી શકતી તેવો સવાલ આપ દ્વારા ઉઠાવાયો છે.ગુજરાતમાં વીજળીના ભાવના નામે લૂંટ ચલાવાતી હોવાનો આક્ષેપ કરતા 15મી જૂનથી સમગ્ર ગુજરાતમાં આપ દ્વારા વીજળીનું આંદોલન શરૂ કરાશે અને રાજ્યના નાગરિકોને મફત વીજળીની માગણી કરવામાં આવશે.ભાજપ સરકાર આંદોલન દબાવવા પ્રયાસ કરશે તો પણ પૂરી તાકાતથી લડત અપાશે તેમ પણ આપના નેતાઓએ જણાવ્યું છે.
દિલ્હીમાં મુખ્યમંત્રી પદે અરવિંદ કેજરીવાલ આવ્યા બાદ દિલ્હીના લોકોને 200 યુનિટ સુધી મફત વીજળી અપાઇ રહી છે.તો પંજાબમાં 300 યુનિટ સુધી મફત વીજળી આપવાની યોજના ટૂંક સમયમાં અમલી બનવાની છે.વિધાનસભા ચૂંટણીનું વર્ષ છે ત્યારે આપ શાસિત રાજ્યોમાં મફત યોજનાઓના ઉદાહરણ દ્વારા હવે ગુજરાતમાં પણ ભાજપને ભીંસમાં લેવાની રણનીતિ આપ દ્વારા શરૂ કરાશે.આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ આ મુદ્દે જણાવ્યું હતું કે ૧૫મી જુને આ મુદ્દે કલેક્ટર કચેરીમાં કલેક્ટરને આવેદન આપીને ગુજરાતની જનતાને પણ મફત વીજળી મળે તેવી માંગ કરવામાં આવશે.આપ દ્વારા એવો દાવો કરાયો હતો કે ભાજપના અગ્રણીઓએ વીજ કંપનીઓ સાથે મળીને બનાવેલા પ્લાનને રોકવાનું કામ કરાશે.16મી જૂનથી 24મી જૂન સુધી સમગ્ર ગુજરાતમાં વીજળીના મુદ્દે લોકસંપર્ક કાર્યક્રમ પણ યોજાશે.તમામ જિલ્લાઓ અને મહાનગરોમાં આપ દ્વારા રેલી,પદયાત્રા,મશાલ યાત્રા જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરી વીજળીના મુદ્દાને લોકો સુધી પહોંચાડવામાં આવશે.
ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે આપ દ્વારા રાજ્યના નાગરિકોનો અભિપ્રાય જાણવા માગણી પત્રક ભરાવવામાં આવશે.વીજળીના દર મોંઘા છે તે વિશે લોકો પાસેથી જાણકારી લેવામાં આવશે.આગામી સમયમાં સંપૂર્ણ તાકાતથી રાજ્ય સરકાર સામે શક્તિ આંદોલન ચલાવવામાં આવશે.આપની સરકારે દિલ્હીમાં વીજળી,પાણી,શિક્ષણ,આરોગ્ય જેવા તમામ મહત્ત્વ પૂર્ણ ક્ષેત્રોમાં નાગરિકલક્ષી કામ કર્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.આપના કાર્યાલય ખાતે અગ્રણીઓ ઈસુદાન ગઢવી અને ઈન્દ્રનીલ રાજ્યગુરુ પણ ઉપસ્થિત રહ્યા હતા.