– બાવળાના રહીશ અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ સુરક્ષા કાર્યક્રમ સાથે સંકળાયેલા બીઆરડી ડોક્ટર સંક્રમિત થયા
ગાંધીનગર,
ગુજરાતમાં કોરોનાનો કહેર અડધા ઉપરાંત ભાગમાં વ્યાપી ગયો છે અને પોઝિટિવ કેસની સંખ્યા 300 ને પાર કરી ગઈ છે તેની અસરથી હવે ફ્રન્ટલાઈન ફોર્સ પૈકીના મેડિકલ સ્ટાફ પણ બાકાત નથી. અત્યાર સુધીમાં ત્રણ મેડિકલ ઓફિસર કોરોનાની ઝપટમાં આવ્યા છે એમાં અમદાવાદ નજીક આવેલા બાળવાના રહીશ અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય સુરક્ષા કાર્યક્રમ સાથે સંકળાયેલા બીઆરડી ડોક્ટર શુક્રવારે કોરોનાના ચેપમાં સપડાયા હોવાનું સત્તાવાર જાહેર થયું છે.
આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ જણાવ્યું છે કે આ ડોક્ટર અમદાવાદમાં હાથ ધરાયેલા ઘનિષ્ઠ મેડિકલ સર્વેમાં જોડાયેલા હતા.એટલે એમને આ કામગીરી દરમિયાન ક્યાંકથી સંક્રમણ લાગ્યું હોઈ શકે છે. જોકે તેમણે સ્પષ્ટ કહ્યું કે મેડિકલ ટીમ માત્ર હેલ્થ ચેકઅપ કરે છે જ્યારે કોરોનાના સેમ્પલ હોસ્પિટલમાં ઈએન્ડટીની ટીમ પૂરી સુરક્ષાથી કરે છે.મેડિકલ ટીમને પણ જરૂરી સુરક્ષા સાધનો અને જરૂરી પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ આપવામાં આવે છે.
આ સિવાય ગાંધીનગર નજીક વડું ગામના પીએચસીના ફાર્માસીસ્ટ તથા ગોમતીપુરના ઈએસઆઇ હોસ્પિટલના પેથોલોજીસ્ટના કેસમાં પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે જોકે બન્ને કેસમાં ચેપનુ કારણ સોશિયલ સાબિત થયેલું છે.આ સિવાય રાજ્ય અન્ય કોઈ કેસ બહાર આવ્યો નથી.
આ ઉપરાંત અમદાવાદમાં હોટ સ્પોટ તથા ક્લસ્ટર સિવાયના નવરંગપુરા જસોદાનગર ઘોડાસર પછી શુક્રવારે નવા વાડજ વિસ્તારમાંથી પોઝિટિવ કેસ મળી આવ્યો છે.એ એવો વિસ્તાર પૈકીનો એક છે જ્યાંથી ઘણાં લોકોએ 4 એપ્રિલ સુધી શહેરના કોટ વિસ્તારમાં અવરજવર કરી છે.એટલે આ વિસ્તારમાં આવેલો ચેપ હજુ સાયલન્ટ કેરિયર પૈકીનો એક છે કે એની કોઈ કોન્ટેક્ટ હિસ્ટ્રી છે તેની તપાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મેડિકલ ટીમ દ્વારા શરૂ કરવામાં આવી છે.