ગાંધીનગર,તા.17 જાન્યુઆરી 2023,મંગળવાર : ગુજરાતમાં વ્યાજખોરો અને તેના વ્યાજના ચક્કરમાં ફસાઈ ચૂકેલા મજબૂર અને જરૂરિયાતમંદ નાગરિકોને આ બોજમાંથી મુક્ત કરાવવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ મેગા ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. અનધિકૃત વ્યાજખોરો સામે રાજ્ય સરકાર દ્વારા તા.5મી જાન્યુઆરીથી શરૂ થયેલી આ મેગા ડ્રાઇવમાં પોલીસે હાથ ધરેલી કડક કાર્યવાહીથી એક સંદેશ સ્પષ્ટ થઈ ગયો છે કે, મજબૂર નાગરિકોને વ્યાજે રૂપિયા આપ્યા બાદ મન ફાવે તેમ વ્યાજ વસૂલતા વ્યાજખોરોએ આ ધંધો છોડવો પડશે અથવા તો ગુજરાત છોડવું પડશે.
રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી આ મેગા ડ્રાઇવમાં બે અઠવાડિયામાં પોલીસ દ્વારા કુલ 622 FIR દાખલ કરી 1026 સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે,જેની સામે 635 વ્યાજખોર આરોપીઓ ધરપકડ પણ કરી લેવામાં આવી છે.તા.16મી જાન્યુઆરી સુધીમાં રાજ્યભરમાં 1288 લોકદરબાર યોજવામાં આવ્યા છે.આ લોકદરબાર થકી આવા તત્વોના ભોગ બનેલા અનેક નાગરિકોને પોલીસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી અને તેના આધારે પોલીસે વ્યાજખોરો સામે સઘન કાર્યવાહી હાથ ધરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસ દ્વારા સમગ્ર કાર્યવાહી દરમિયાન વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.અનધિકૃત રીતે વ્યાજખોરીનો વ્યવસાય કરી નિર્દોષ નાગરિકો પાસેથી વ્યાજના નામે બેફામ રૂપિયા ઉઘરાવતા તત્વો સામે નાગરિકોને પોલીસનું સુરક્ષા કવચ મળી રહ્યું છે,ત્યારે કોઈ અનધિકૃત વ્યાજખોર કડક કાર્યવાહીથી બચે નહી અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થઇ જાય તેની ખાસ તકેદારી પોલીસ રાખી રહી છે.
વ્યાજખોરોએ મહિલા પાસેથી પડાવેલા મોબાઈલ,મોપેડ અને કોરા ચેક પોલીસે રિકવર કર્યાં
વલસાડ પોલીસે વ્યાજખોરો સામે કાર્યવાહી અંગે મૂકેલી ફેસબુક પોસ્ટ જોઇ એક મહિલા ફરીયાદી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.ખાનગી હોસ્પિટલમાં રીસેપ્શનિસ્ટ તરીકે કામ કરતા આ ડાયવોર્સી બહેન પોતાની પુત્રી સાથે એકલા રહે છે.બહેને રજૂઆત કરી કે, વલસાડ શહેરમા જાસ્મીન મોબાઇલ નામની દુકાન ચલાવતા વિનોદ ભોગીલાલ શાહની પાસેથી તેમણે મોબાઇલ હપ્તેથી ખરીદ્યો હતો.જ્યારથી વિનોદભાઇ સાથે ઓળખાણ થઇ અને વિનોદભાઇ વ્યાજે રૂપિયા ધિરાણ કરતા હોઇ તેમની પાસેથી એક વર્ષ પહેલા રૂ. 1,80,000/- 10 થી 20 ટકા વ્યાજના દરે લીધા હતા.જે વ્યાજે લીધેલ રકમ ઉપર વિનોદભાઇ 10 ટકા લેખે વ્યાજ વસૂલ કર્યું અને છેલ્લા છ માસથી 20 ટકા લેખે વ્યાજ ચૂકવી રહ્યા છે.મુદ્દલ રકમ તથા વ્યાજની રકમ ચૂકવાઇ ગઈ હોવા છતા ફરિયાદી બહેન પાસે વિનોદભાઇએ વધુ વ્યાજની માંગણી કરી પરંતુ વ્યાજ ચૂકવી ન શકતા વિનોદભાઇએ ફરીયાદી બહેનનો મોબાઇલ ફોન પડાવી લીધો હતો.આ ઉપરાંત કોરા ચેક લખાવી લીધા બાદ અવારનવાર વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા ફરિયાદી બહેને પ્રેસરની વધુ પડતી ગોળીઓ ખાઇ લીધી હતી.હોસ્પિટલમાં દાખલ થયેલા બહેને વિનોદભાઇ ના ડરથી પોતે દવા પીધી હોવાની હકીકત છૂપાવી હતી.
ફરિયાદી બહેને વિનોદભાઇ પાસેથી લીધેલા નાણા તથા વ્યાજ ચૂકવવા માટે વલસાડના રહેવાસી શ્રવણ મારવાડી પાસેથી રૂપિયા 35000/- 5 ટકા વ્યાજ દરે 3 માસ પહેલા લીધા હતા.જે રકમનુ વ્યાજ ફરિયાદી બેન ચૂકવી ન શકતાં શ્રવણભાઇએ તેનુ મોપેડ પડાવી લીધુ અને બળજબરીથી ટીટીઓ ફોર્મમાં સહી લઇ લીધી હતી.
રાજય સરકાર દ્વારા ચલાવાઈ રહેલી વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા અંગેની ખાસ ઝૂંબેશ દરમિયાન પોલીસ વિભાગની વ્યાજખોરો વિરૂદ્ધની કડક કાર્યવાહી જોઇ ફરિયાદી બહેનને હિંમત મળી અને નિર્ભય રીતે ફરિયાદ કરી હતી.જે ફરિયાદ અન્વયે તાત્કાલીક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપી વિનોદભાઇ તથા શ્રવણભાઇ મારવાડીને ઝડપી પાડી આરોપીના રહેણાંક મકાન તથા દુકાનની ઝડતી તપાસ કરી ફરિયાદી બહેન પાસેથી આરોપીઓએ મેળવેલ વધુ નાણા,મોબાઇલ ફોન,મોપેડ તથા 25 કોરા ચેક પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે.
રૂ. 2.70 લાખની સામે વ્યાજ સાથે 6.87 લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી કરનારા વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી
પંચમહાલ પોલીસે ફરિયાદને આધારે એવા વ્યાજખોર સામે કાર્યવાહી કરી છે.જેને રૂ.2.70 લાખની સામે વ્યાજ સાથે રૂ.6.87 લાખ લઈ લીધા,તો પણ વધારાના રૂ.11.28 લાખ લેવા માટે પઠાણી ઉઘરાણી ચાલુ રાખીને અરજદારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.એટલું જ નહિ, વ્યાજખોરે અરજદાર પાસેથી પડાવી લીધેલી આઇ-10 ગ્રાન્ડ ગાડી પણ રિકવર કરી પંચમહાલ પોલીસે આરોપી સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.
ગોધરાના વ્યાજખોરોએ નાણાં ધીરધારના લાયસન્સ વગર માસિક 2% લેખે તન્મયકુમાર વસંતભાઇ મહેતાને રૂ.2,70,000/- ધીરધાર કરી સિકયુરીટી પેટે કોરા ચેક લઇ લીધા હતા.જે બાદ તન્મય મહેતાએ માસિક 10% લેખે રુપિયા 6.87 લાખ રૂપિયા ચૂકવ્યા હોવા છતાં વ્યાજખોરો બળજબરીપૂર્વક વધારાના વ્યાજ સહિતના નાણાં રૂપિયા 11,28,000/- માંગી રહ્યા હતા.વસંત મહેતાની હુન્ડાઇ આઇ-10 ગ્રાન્ડ મેઘના ગાડી બળજબરીથી પડાવી પોતાની પાસે રાખી લઇ વ્યાજખોરોએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. પંચમહાલ પોલીસે ગુનો દાખલ કરી પરીમલ સોસાયટી,ભુરાવાવ ચાર રસ્તા,ગોધરામાં રહેતા આરોપી વિરેનભાઇ પરમાનંદ લાલવાણીના ઘરે સર્ચ કરી ફરિયાદી પાસેથી બળજબરીથી પડાવી લીધેલી ગાડી તાત્કાલીક ધોરણે રીકવર કરી પ્રસંશનીય કામગીરી કરી છે.
વડીલોની શિખામણ સામે જરૂરિયાત મોટી બની અને સુરતનો સોની વ્યાજખોરોની ચુંગલમાં ફસાયો
“એ દિવસ મને બરાબર યાદ છે.મને પૈસાની ખૂબ જરૂર હતી.બેંકની લોન લઇ શકું એવી ધીરજ નહોતી.સગા-સંબંધી,મિત્રો દરેકના દરવાજે દસ્તક દઇ દીધા પછી મારી પાસે એક જ દરવાજો બાકી બચ્યો હતો,અશોક સોનીનો.મને ખબર હતી કે, એ વ્યાજે પૈસા આપે છે.નાનો હતો ત્યારે વડીલોએ શીખામણ આપેલી કે, બધું કરજે પણ વ્યાજનાં ચક્કરોમાં ના પડતો…પણ શિખામણ સામે જરૂરિયાત વધારે મોટી બની ગઇ હતી.મેં અશોક સોની પાસે 3%નાં દરે રૂપિયા 80,000/- વ્યાજે લીધા. અશોક સોનીએ આ 80 હજાર સામે મારી દુકાનનો દસ્તાવેજ લઇ લીધેલો.એમણે કહેલું વ્યાજ સાથે મુદ્દલ પરત કરી દઇશ તો દસ્તાવેજ પાછો આપી દેશે.મેં નક્કી કરેલું વ્યાજ સહિત એક-એક પાઇ ચૂકી દેવાનું.મેં ખૂબ મહેનત કરી અને ટૂકડે-ટૂકડે અશોકભાઇને વ્યાજ સહિત રૂપિયા 1,89,000/- રૂપિયા ચૂકવી દીધા.
આ પૈસા ચૂકવી દીધા પછી મેં રાહતનો શ્વાસ લીધેલો.મને એમ કે હવે અશોકભાઇ દસ્તાવેજ પાછો આપી દેશે,પણ એમણે એવું કર્યું નહીં.એમણે વ્યાજનું પણ વ્યાજ માંગ્યું.મને આઘાત લાગ્યો.મેં કહ્યું, ‘અશોકભાઇ-તમે વચનભંગ કરો છો..!’ પણ એમણે સાંભળ્યું નહીં.દુકાનનો દસ્તાવેજ પાછો ન આપ્યો. એમણે વધુ 1 લાખ રૂપિયાની માંગણી કરી અને જો આ પૈસા ન ચૂકવું તો દુકાનનો દસ્તાવેજ તો પાછો ન જ આપે પણ મારા દીકરાને માર-મારવાની વાત પણ કરી.દીકરાને માર-મારવાની વાતથી હું હેબતાઈ ગયો.ખૂબ વિચાર્યું-પહેલા તો એવું થયું કે જીવનની બધી જ મૂડી દાવ પર લગાડી અશોક સોનીને 1 લાખ રૂપિયા આપી દઉં-પણ દીકરાએ અને પરિવારે હિંમત આપી.અમે પોલીસને જાણ કરવાનું નક્કી કર્યું.મને લાગે છે કે-આ નિર્ણય અમારો સર્વશ્રેષ્ઠ નિર્ણય હતો.
અમરોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને અમે આખી વાત કરી.એમણે તાત્કાલિક જરૂરી તપાસ કરી-અશોક સોનીની સામે ફરિયાદ દાખલ કરી અને ધરપકડ કરી લીધી.અમારી દુકાનનો દસ્તાવેજ હવે નામદાર કોર્ટ પાસેથી પરત મળશે.”
આ વાત પૂરી કરતા-લલિતભાઇ સોની રાહતનો શ્વાસ લે છે.એમનાં ચહેરા પર એક સંતોષ અને શાંતિ બંને છલકાય છે.લલિતભાઇ કહે છે કે, બેંક પાસેથી લોન લીધી હોત તો સસ્તી પડી હોત.વ્યાજનાં ચક્કરમાં મુદ્દલ કરતા બે ગણી રકમ ચૂકવી અને પઠાણી ઊઘરાણીનો માનસિક ત્રાસ પણ વેઠ્યો.સુરત શહેર પોલીસે અશોક સોનીનાં ચુંગાલમાંથી ઉગારી લીધા એ બદલ એમનો જેટલો આભાર માનું એટલો ઓછો છે.