અમદાવાદ : કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય વતી ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગરમાં આગામી ૧લી જુનથી બે દિવસની સ્કૂલ એજ્યુકેશન પરની નેશનલ કોન્ફરન્સ યોજાનાર છે.જેમાં તમામ રાજ્યોના અને તમામ કેન્દ્ર શાસિત પ્રદેશોના શિક્ષણ મંત્રીઓ, શિક્ષણ સચિવો તેમજ કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયના સચિવો અને વિવિધ રાજ્યોના શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં શિક્ષણ અને તેમાં પણ ખાસ કરીને સ્કૂલ શિક્ષણ મહત્વનો રાજકીય મુદ્દો બન્યો છે અને તેમાં પણ આપ પાર્ટીના દિલ્હીના શિક્ષણમંત્રીએ જ્યાં ગુજરાતમાં સરકારી સ્કૂલો તેમજ સરકારી સ્કૂલોના શિક્ષણને લઈને અનેક કટાક્ષો કર્યા છે ત્યારે આગામી વિધાનસભા ચૂંટણીમાં શિક્ષણ મહત્વનો મુદ્દો છે અને તાજેતરમાં વડાપ્રધાને પણ ગાંધીનગરમાં સ્કૂલ શિક્ષણ માટેના સરકારના નવા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૃમ- વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી.આગામી ચૂંટણીમાં ગુજરાતનું શિક્ષણ અને સ્કૂલ શિક્ષણનું મોડલ રાષ્ટ્રીય સ્તરે ઉભરે તે માટે હાલના કેન્દ્ર-રાજ્ય સરકારના પ્રયત્નો છે. મહત્વનું છે કે આગામી ૧લી જુનથી કેન્દ્ર સરકાર વતી ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગરમાં નેશનલ કાન્ફરન્સ ઓન સ્કૂલ એજ્યુકેશન યોજાનાર છે.
ગુજરાતમાં પ્રથમવાર આ પ્રકારની સ્કૂલ એજ્યુકેશન નેશનલ કોન્ફરન્સ થનાર છે.આ બે દિવસની નેશનલ કોન્ફરન્સમાં તમામ રાજ્યોના શિક્ષણમંત્રી હાજર રહેશે તેમજ કેન્દ્રીય શિક્ષણમંત્રી પણ હાજરી આપશે અને તમામ રાજ્યોના શિક્ષણ સચિવો સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેશે.આ કોન્ફરન્સ માટે હાલ ગુજરાત સરકારે શિક્ષણ વિભાગના તમામ અધિકારીઓને કામે લગાડી દીધા છે.આ કોન્ફરન્સમાં નવી શિક્ષણ નીતિનો સ્કૂલોમાં અમલ,સમગ્ર શિક્ષા અભિયાન,ડ્રોપ આઉટ રેશિયો,કોરોના બાદ સ્કૂલો ખુલતા હાલની સ્થિતિ-ઓનલાઈન શિક્ષણ,સ્કૂલોના વિદ્યાર્થીઓમાં સ્કિલ્સ,વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે.૧લી જુને પ્રથમ દિવસે વિવિધ રાજ્યોના મંત્રીઓ તેમજ કેન્દ્ર અને રાજ્યોના અધિકારીઓને વિદ્યા સમીક્ષા કેન્દ્ર,બાયસેગ,નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી,ઈન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ઓફ એક્સેલન્સ સહિતની સંસ્થાઓમાં મુલાકાત કરાવાશે.
ગુજરાતમાં સ્કૂલ શિક્ષણની કોન્ફરન્સ, તમામ રાજ્યના શિક્ષણમંત્રી આવશે

Leave a Comment