– ગુજરાતમાં ભૂમાફિયાઓ સામે સરકારની લાલ આંખ
– ગુજરાતમાં 28 કરોડ 61 લાખ 80 હજાર ચો.મી. જમીન પર ભૂમાફિયાઓનો કબજો,190 લોકો સામે ચાર્જશીટ
અમદાવાદ : સરકારી-ખાનગી જમીનો પચાવી પાડતા ભૂમાફિયાઓ સામે રાજ્ય સરકારે લાલ આંખ કરી છે. રાજ્ય સરકારે ગરીબ-મધ્યમ વર્ગ ઉપરાંત નાના સિંમાત ખેડૂતોની જમીન પચાવી પાડનારાં ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરી છે.ગુજરાતમાં ભૂમાફિયાઓએ અંદાજિત રૂા.750 કરોડની સરકારી-ખાનગી જમીનો પચાવી પાડી હતી.સરકારે આ મામલે તપાસ કરી 345 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં જમીનો પચાવી પાડવાની વધતી જતી ઘટનાઓ પર કાબૂ મેળવવા રાજ્ય સરકારે વિધાનસભામાં લેન્ડગ્રેબિંગ એક્ટ પસાર કર્યો હતો.રાજ્ય સરકારે ભૂમાફિયાઓની શાન ઠેકાણે લાવવા લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ અમલી કર્યો છે.આ કાયદો અમલમાં આવતાં છેલ્લા એક વર્ષમાં રાજ્ય મહેસૂલ વિભાગને ભૂમાફિયાઓ વિરૂધૃધ કુલ મળીને 6884 અરજીઓ મળી હતી.જેમાં 4489 અરજીઓની તપાસ પૂર્ણ કરવામાં આવી છે.આ અરજીઓની તપાસ કરતાં એવુ માલુમ પડયું કે, રાજ્યમાં કુલ મળીને 28 કરોડ 61 લાખ 80 હજાર ચોમી જમીન પર ભૂમાફિયાઓએ ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે.ભૂમાફિયાઓએ અંદાજિત રૂા.750 કરોડની સરકારી-ખાનગી જમીન પચાવી પાડી છે.
જમીન પર દબાણ હોવાનુ સાબિત થતા 1178 લોકો સામે 345 પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.જયારે 190 લોકો સામે ચાર્જશીટ દાખલ કરાઇ છે.રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું કે, લેન્ડ ગ્રેબિંગ એક્ટનો અસરકારક અમલ થાય તે માટે મહેસૂલ વિભાગે સઘન પ્રયાસો હાથ ધર્યા છે જેથી હવે ભૂમાફિયાઓ બચી નહી શકે.જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કમિટી સમગ્ર કામગીરી પર દેખરેખ રાખી રહી છે.
વિશેષ કોર્ટની પણ રચના કરાઇ છે આ કોર્ટમાં માત્ર લેન્ડગ્રેબિંગના જ કેસો ચાલશે.જમીન દબાણની અરજીઓનો સત્વરે નિકાલ થાય અને અરજદારોને જમીન પરત મળે તે માટે ત્વરીત પગલાં લેવાઇ રહ્યા છે.ટૂંકમાં રાજ્યમાં થતા વિકાસને પગલે જમીનના ભાવો આસમાને પહોચ્યા છે જેના કારણે ભૂમાફિયા ધાક ધમકી,છેતરપિંડીથી જમીનો પચાવી રહ્યા છે.
હવે લેન્ડ ગ્રેબિંગની અરજી ઓનલાઇન કરી શકાશે
અત્યાર સુધી સરકારી કે ખાનગી જમીન પર દબાણ થયુ હોય અને ભુમાફિયાઓએ જમીન પચાવી પાડી હોય તેવા કિસ્સામાં કલેક્ટર કચેરીએ અરજી કરવાની હોય છે.પણ હવે નાગરિકો લેન્ડ ગ્રેબિંગની અરજીઓ ઓનલાઇન કરી શકશે.રાજ્યના મહેસૂલ વિભાગે ટેકનોલોજીનો ઉપયોગ કરી i – ORA પોર્ટલ કાર્યરત કર્યુ છે.આ પોર્ટલના માધ્યમથી લોકો ઘેરબેઠા ભૂમાફિયાઓ વિરૂધૃધ અરજી કરી શકશે.