મુંબઈ : સેન્ટ્રલ રેલવેના ૪૫ વર્ષના ગુજરાતી ટીટીઆઇ(ટ્રાવેલિંગ ટિકિટ ઇન્સ્પેક્ટર)હિતેન્દ્ર વાઘેલાની સતર્કતાએ ઘરેથી ભાગી નીકળેલાં સગીર વયનાં છોકરા-છોકરીને તેમના ઘરે પહોંચાડ્યાં હતાં.જબલપુરથી તેઓ ભાગીને પનવેલ પહોંચ્યાં હતાં અને ત્યાં શંકાસ્પદ રીતે ફરતાં દેખાતાં પૂછપરછ કરતી વખતે છોકરાના નંબર પર જબલપુર પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો ત્યારે જાણ થઈ કે આ બન્ને ભાગીને આવ્યાં છે. આ ઉપરાંત લોકલ ટ્રેનમાં ભુલાઈ ગયેલો લાખો રૂપિયાનો ઇલેક્ટ્રિકનો સામાન પણ તેમની સતર્કતાને કારણે એના મૂળ માલિક સુધી પહોંચ્યો હતો.
આ બનાવ વિશે માહિતી આપતાં હિતેન્દ્ર વાઘેલાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે‘હું લોકલ અને મેલ એક્સપ્રેસ બન્નેમાં પ્રવાસીઓની ટિકિટ તપાસું છું.હાલમાં પનવેલ રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર પાંચ પર ટિકિટ તપાસી રહ્યો હતો.આ પ્લૅટફૉર્મ પર મંગલા એક્સપ્રેસ આવી હોવાથી એના પ્રવાસીઓની ટિકિટ તપાસી રહ્યો હતો.એ વખતે પ્લૅટફૉર્મ પર સગીર વયનાં છોકરા-છોકરીને મેં જોયાં હતાં.પહેલાં થોડો વખત તેમના પર નજર રાખ્યા બાદ તેમની પાસે ટિકિટ માગતાં ટિકિટ સંબંધી લઈને આવે છે એવું તેઓ કહેવા લાગ્યાં હતાં.એથી મેં તેમને પૂછ્યું કે તમારે ક્યાં જવાનું છે?ત્યારે તેમણે કહ્યું કે જબલપુર જઈ રહ્યા છીએ.જોકે ત્યાં જવા માટે એ વખતે કે એના લાંબા સમય બાદ પણ કોઈ મેલ-એક્સપ્રેસ ટ્રેન આવવાની નહોતી.એથી મારી શંકા વધી ગઈ અને મેં છોકરાને ટિકિટ કોની પાસે છે તેને ફોન લગાડીને આપ એમ કહેતાં તેઓ નાસી જવાનું વિચારી રહ્યા હતા.એવામાં તેના મોબાઇલ પર એક ફોન આવ્યો હતો જે તે ઉપાડી રહ્યો નહોતો.એથી તેના હાથમાંથી મેં મોબાઇલ છીનવીને સામેવાળા સાથે વાત કરી હતી.ત્યારે જબલપુરના પોલીસ ઇન્સ્પેક્ટરે મને કહ્યું કે તે બન્ને ત્યાંથી ભાગીને ત્યાં આવ્યાં છે.અમે તેનો મોબાઇલ ટ્રેસિંગ પર રાખ્યો હતો અને મોબાઇલ ચાલુ કરતાં એ ટ્રેસ થઈ ગયો હતો.પોલીસ ઇન્સ્પેક્ટરે મને બન્નેને રેલવે પોલીસને સોંપવા કહ્યું હતું અને અમે અહીંથી અમારી ટીમ મોકલીશું એમ કહેતાં મેં બન્નેને પનવેલ જીઆરપીને સોંપ્યાં હતાં.જબલપુરથી પોલીસની ટીમ આવીને તેમને અહીંથી લઈ ગઈ હતી.’


