આજે રાત્રે 8 વાગ્યે વડા પ્રધાન મોદીએ કોરોના વાયરસને અટકાવવા માટે 21 દિવસનાં લોકડાઉનની જાહેરાત કરી હતી. પીએમ મોદીની જાહેરાત બાદ જ ગુજરાતનાં લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. સુરત અને ભાવનગર સહિત ગુજરાતનાં અનેક વિસ્તારોમાં લોકોએ કરિયાણું અને અન્ય વસ્તુઓ લેવા માટે પડાપડી કરી દીધી હતી. સંદેશ ન્યુઝ તમામને ઘરે રહેવા માટે અપીલ કરે છે. જીવન જરૂરિયાત વસ્તુઓની ગુજરાતમાં કોઈ અછત નહીં સર્જાય.
વડા પ્રધાનની જાહેરાત બાદ જ સુરતીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. સુરતીઓ ઘરવખરીની વસ્તુઓ લેવા માટે પડાપડી કરી દીધી હતી. સુરતના વેસુ વિસ્તાર ખાતે આવેલાં કરિયાણાના મોલમાં લોકો ઉમટી પડ્યા હતા. અને રસ્તા પર જ ભીડનો માહોલ સર્જાય ગયો હતો. તો ભાવનગરમાં પણ કરિયાણું લેવા માટે લોકોએ પડાપડી કરી મૂકી હતી. આવી જ પરિસ્થિતિ ગુજરાતના અન્ય ભાગોમાં પણ જોવા મળી હતી. પેટ્રોલ પંપ ઉપર પણ લોકોએ ભીડ કરી દીધી હતી.
ગુજરાતમાં ભયના મારે લોકોએ પડાપડી કરી દેતાં નાયબ મુખ્યમંત્રીએ પણ લોકોને અપીલ કરી છે. નીતિન પટેલે લોકોને પડાપડી ન કરવા માટે વિનંતી કરી છે. જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ મળશે તેવું આશ્વાસન પણ નીતિન પટેલે આપ્યું હતું. તમામ ખાદ્યવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ગરીબો માટે બનતું બધું કરીશું. ગુજરાતમાં કોઈપણ જાતની તંગી નથી તેવું પણ નીતિન પટેલે કહ્યું હતું.