અમદાવાદ,તા. 12 એપ્રિલ 2023, બુધવાર : રાજ્યના સૌથી મોટા બુટલેગરને દુબઈથી પરત લાવવામાં ગુજરાત પોલીસને નિષ્ફળતા મળી છે.દુબઈ સરકારે બુટલેગર વિજુ સિંધીને પરત લાવવાના વોરંટ રદ કર્યુ છે.જેમાં બુટલેગર વિજુ સિંધીની પત્નીએ હાઈકોર્ટમાં રેડ કોર્નર અને પ્રત્યાપર્ણની નોટિસ પરત ખેચવા માંગ કરી હતી.
દુબઈ સરકારે માગેલા અગત્યના દસ્તાવેજો ગુજરાત પોલીસે પૂરા નહીં પાડતા દુબઈ સરકારે વોરંટ રદ કર્યું છે.ગુજરાત પોલીસે જરૂરી કાગળ રજૂ નહિ કરતા વિજુ સિંધી સામેનું વોરંટ રદ કરી દીધું છે.બોન્ડની રકમ અને પાસપોર્ટ પરત કરવાનો પણ આદેશ કરાયો છે.બુટલેગર વિજુ સિંધીની પત્નીએ હાઈકોર્ટમાં રેડ કોર્નર અને પ્રત્યાપર્ણની નોટિસ પરત ખેચવા માગ કરી હતી.જેની સુનાવણી ગુરુવારે હાઈકોર્ટમાં કરવામાં આવશે.સૌથી મોટા બુટલેગર વિજુ સિંધી સામે પ્રોહિબિશનના 38 કેસ નોંધાયેલા હતા.
કોણ છે વીજુ સિંધી?
સમગ્ર ગુજરાતમાં કરોડોનો દારૂનું નેટવર્ક ચલાવનાર વિનોદ સિંધી ઉર્ફે વિજુ સિંધી સામે અનેક ગુના નોંધાયેલા છે.વિનોદ સિંધી ઉર્ફે વીજુ સિંધી આખા ગુજરાતમાં દારૂની ડિલિવરી કરે છે.જેમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતની અલગ-અલગ જગ્યાએ કઈ રીતે દારૂ સપ્લાય કરવો,કઈ ગાડીમાં ક્યાં જીપીએસ લગાવવું,પોલીસથી કઈ રીતે બચવું તેમજ ક્યાં,કોને કેટલા પૈસા આપવા એ તમામ વિગતો અગાઉથી જ નક્કી હોય છે.
ગયા વર્ષે એપ્રિલમાં ભાગી ગયો હતો દુબઈ
વીજુ સિંધી દરેક ગાડી કે જેમાં દારૂ ભર્યો હોય છે એનું સતત મોનિટરિંગ કરવા માટે એના વિસ્તારમાં આવતા અલગ-અલગ લોકોને કામ સોંપતો હતો.જેના આધારે દારૂની ડિલિવરી થાય ત્યાર બાદ જ આંગડિયાથી રૂપિયા કે હવાલાથી રૂપિયા મેળવવા માટે રીતસરની વ્યવસ્થા ગોઠવી રાખતો.ભૂતકાળમાં હરિયાણા,રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી ગુજરાતમાં કરોડોનો દારૂ ઠાલવનાર વીજુ સિંધી ગત વર્ષે એપ્રિલ મહિનામાં દુબઇ ભાગી ગયો હતો. SMCએ વીજુ સિંધી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી.ઇતિહાસમાં પહેલી વખત કોઈ બુટલેગર સામે રેડ કોર્નર નોટિસ ઈસ્યુ જાહેર કરાઇ હતી.
રેડ કોર્નર નોટિસના આધારે કરાઈ હતી ધરપકડ
રેડ કોર્નર નોટિસના આધારે દુબઈ પોલીસે UAEમાં સર્ચ કર્યું હતું.સર્ચ ઑપરેશન બાદ વીજુ સિંધીની ધરપકડ કરવામાં આવી હતી.વીજુ સિંધીને દુબઈથી અબુ ધાબી ઇન્ટરપોલના હેડક્વાર્ટર લઈ જવાયો હતો.આ અંગે UAE સુરક્ષા એજન્સીએ ભારતીય દૂતાવાસને ધરપકડની માહિતી આપી હતી.તમને જણાવી દઇએ કે, વીજુ સિંધી પર ગુજરાતમાં 60થી વધુ દારૂના કેસ નોંધાયા છે.જોકે, હવે તેને દુબઈ પોલીસ દ્વારા છોડી દેવામાં આવ્યો છે.
જાણો રેડ કોર્નર નોટિસ એટલે શું?
રેડ કોર્નર નોટિસ રીઢા ગુનેગારોને લઈને જાહેર કરવામાં આવે છે.આ નોટિસ અન્ય દેશોની તપાસ એજન્સીઓ અને પોલીસને ગુનેગાર બાબતે સૂચિત કરે છે.આવું એટલા માટે કારણ કે કોઈપણ ગુનેગાર પોલીસ અને તપાસ એજન્સીઓથી બચવાના પ્રયત્નમાં બીજા દેશમાં જઈને રહી શકે છે.બધા દેશોની એજન્સીઓ એવા ગુનેગાર બાબતે એલર્ટ જાહેર કરી શકે છે અને તેને પકડવામાં મદદ મળી શકે છે.