ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા રાજ્યની પોલીસનો પગાર વધારાની જાહેરાત તો કરી દેવાઈ છે પરંતુ તેનો લાભ હાલ ગુજરાત પોલીસને મળશે નહીં.સરકાર દ્વારા હજુ સુધી જીઆર બહાર પાડવામાં નહીં આવ્યો હોવાના લીધે ચાલુ મહિને પગાર વધારાનો લાભ ગુજરાત પોલીસને મળશે નહીં,જેના પગલે ગુજરાતના પોલીસકર્મીઓમાં નારાજગી વ્યાપી ગઈ છે.
ગુજરાત પોલીસના કર્મચારીઓ દ્વારા ગ્રેડ પે વધારા માટે આંદોલન કરવામાં આવ્યું હતું.તેના પગલે ગુજરાત સરકાર દ્વારા થોડા દિવસો અગાઉ એક સમિતિની રચના કરવામાં આવી હતી.જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી,જેમાં ચર્ચા વિચારણા બાદ ગુજરાતના પોલીસ કર્મચારીઓના પગારમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો.રાજ્ય સરકારે ગ્રેડ પેમાં વધારા માટે રૂપિયા 550 કરોડનું ભંડોળ પણ મંજૂર કર્યું હતું.
નાણાં વિભાગના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર હજુ સુધી નાણાં વિભાગમાં જીઆર પહોંચ્યો નથી.તેથી ચાલુ મહિનાના પગારમાં વધારાનો લાભ પોલીસકર્મીઓને મળે તેવી શક્યતા નથી.હવે સીધો દિવાળીના મહિનામાં જ ગુજરાત પોલીસને પગાર વધારાનો લાભ મળે તેમ લાગી રહ્યું છે.હાલ પગાર વધારાનો લાભ મળવાનો નહીં હોય પોલીસકર્મીઓમાં નારાજગી વ્યાપી ગઈ છે.
તમને જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પોલીસના માસિક પગારમાં 3000થી 8000 સુધીનો વધારો કરાયો છે.જાહેરાત અનુસાર ફિક્સ પગારદાર LRD-ASIનો વાર્ષિક પગાર 96 હજાર 150 વધ્યો છે.અગાઉ LRD-ASIનો વાર્ષિક પગાર 2,51,100 હતો.હવે વધારા બાદ LRD-ASIનો વાર્ષિક પગાર 3,47,250 થયો છે.પોલીસ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર રૂપિયા 52 હજાર 740 વધ્યો છે.અગાઉ પોલીસ કોન્સ્ટેબલનો પગાર વાર્ષિક 3 લાખ 63 હજાર 660 હતો. વધારા બાદ પોલીસ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર 4,16,400 થયો છે.પોલીસ હેડ કોન્સ્ટેબલના વાર્ષિક પગારમાં 58,740નો વધારો થયો છે.અગાઉ પોલીસ હેડ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર 4,36,654 હતો.હવે વધારા બાદ પોલીસ હેડ કોન્સ્ટેબલનો પગાર 4,95,394 થયો છે. ASIના વાર્ષિક પગારમાં 64,740 નો વધારો કરવામાં આવ્યો છે.અગાઉ ASIનો વાર્ષિક પગાર 5,19,354 જેટલો હતો. હવે વધારા બાદ ASIનો વાર્ષિક પગાર 5,84,094 થયો છે.


