રાજ્યમાં અને શહેરમાં જે રીતે કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે તેને લઈને સરકાર સામે પણ પડકારની સ્થિતિ ઉભી થઈ છે પરંતુ ગુજરાતમાં સત્તા સ્થાને બેઠેલી ભાજપા સરકારનાં પદાધિકારીઓ અને નેતાઓને કોરોના નથી નડતો,એમ કહી શકાય કે તેમણે કોરોનાને ગણવાનું જ છોડી દીધુ છે.ચારે તરફ પાછી સંક્રમણ જેવી સ્થિતિ દેખાઈ રહી છે તે વચ્ચે હવે ભાજપનાં કોર્પોરેટરોની ટિફિન પાર્ટીનો વિડિયો સામે આવ્યો છે કે જેમાં સોશ્યલ ડિસ્ટન્સની વાત તો દુર રહી ગઈ કોઈએ માસ્ક પહેરવાની પણ દરકાર નોહતી રાખી.
ભાજપનાં ચૂંટાયેલા આ લોકસેવકો છે કે જે જનતાની સેવા માટે કામ કરશે અને તેમને સાચો રસ્તો પણ બતાવશે.જો કે આ લોકસેવકો તો ખુદ રસ્તો ભુલાયેલા જોવા મળ્યા અને તે પણ ભાજપનાં હેડક્વાર્ટર કમલમ ખાતે.અમદાવાદ શહેરના ચૂંટાયેલા કોર્પોરેટરોની ટિફિન પાર્ટી હતી અને આ પાર્ટીમાં અમદાવાદ શહેરના કોર્પોરેટરો,ધારાસભ્યો અને શહેર સંગઠનના પદાધિકારીઓ પણ હાજર હતા. આ દરમિયાન અનેક નેતાઓએ માસ્ક જ નહોતું પહેર્યું.કેટલાક નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સ પણ નહોતું જાળવ્યું ત્યારે સવાલ એ થાય કે ભાજપના આ નેતાઓને દંડ કોણ કરશે? ભાજપના આ નેતાઓને તાયફા કરવાની મંજૂરી કેમ આપવામાં આવે છે? અને કરે પણ છે તો નિયમોનાં પાલનને લઈને કેમ કોઈ સાવધાની વર્તવામાં નથી આવતી?
થોડા સમય પહેલા જ ભાજપનાં પદાધિકારીઓની બેઠકમાંથી કોરોનાનો ચેપ લાગવાની શરૂઆત થઈ હતી અને સિનિયર પદાધિકારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા છતાં પણ ભાજપનાં નેતાઓ છે કે સુધરવાનું નામ નથી લઈ રહ્યા.
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતાં રાતના 9 વાગ્યાથી નાઈટ કરફ્યૂ લાદી દેવામાં આવ્યો છે.આ ઉપરાંત બાગ-બગીચા,કાંકરિયા, રિવરફ્રન્ટ સહિતનાં જાહેર સ્થળો પણ બંધ કરી દેવામાં આવ્યો છે.પણ જે નેતાઓ પ્રજા માટે નિયમો લાવે છે તે જ નેતાઓ આ નિયમોનો ઉલાળિયો કરી રહ્યા છે.અમદાવાદના ભાજપના મેયર સહિતના કોર્પોરેટરોએ ગાંધીનગરમાં કોઈપણ નિયમોનું પાલન કર્યાં વગર પાર્ટીઓમાં લિજ્જત માણતાં જોવા મળ્યા હતા.
કોરોનાને લઈ હાલ અમદાવાદીઓ હાડમારી સહન કરી રહ્યા છે. AMCના તંત્રએ કોરોનાને કારણે બસો બંધ કરાવી દીધી છે.નોકરીયાત અને મજૂરી કરનાર લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.નાઈટ કરફ્યૂને કારણે ખાણીપીણીની લારીઓ ચલાવતાં ગરીબ લોકો હેરાન છે.પણ તમારા અમદાવાદના નવા મેયરો અને કોર્પોરેટરો જુઓ. તમારા માટે તમામ પ્રતિબંધો લાગુ કરી દીધા.પણ પોતે તો રાજા.તેમને ક્યાં કોઈ નિયમ નડે જ છે.અમદાવાદના નવનિયુક્ત મેયર કે જેઓ એક ચાલીના મકાનમાં રહે છે તે પોતે અને અમદાવાદના 160 કોર્પોરેટર અને ધારાસભ્યએ ગાંધીનગરના કોબા વિસ્તારમાં આવેલાં એક ફાર્મ હાઉસમાં ટિફિન પાર્ટી યોજી હતી.અહીં તમામ લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા.સોશિયલ ડિસ્ટન્સની વાત તો ભૂલી જ જાઓ.એ બધા લોકો લિજ્જતદાર ઝાયકાની મજા માણી રહ્યા હતા.અમદાવાદમાં ભવ્ય વિજયની ઉજવણી કરી રહ્યા હતા. પણ આ વખતે જેમનાં વોટથી જીતીને આવ્યા તેમના વિશે કાંઈ ચિંતા જેવું હોય તેવું તેમના ચહેરા પરથી લાગ્યું ન હતું.


