અમદાવાદ : ગુજરાત યુનિ.માં ચાલતા કરોડોના બાંધકામ પ્રોજેક્ટોમાં દેખરેખ સહિતની તમામ કામગીરી કરતા ખાનગી કન્સલ્ટિંગ એજન્સી સામે અંતે યુનિ.ના ભાજપના સિન્ડીકેટ સભ્યો વિરોધ નોંધાવ્યો છે.સિન્ડીકેટ સભ્યોએ નવેસરથી ટેન્ડરિંગ કરવા અને આ ખાનગી એજન્સીને દૂર કરવા તેમજ સરકારી એજન્સી રાખવા માંગ ઉઠાવી હતી.ગુજરાત યુનિ.ની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની મીટિંગમાં સિન્ડીકેટ સભ્યોએ હાલની યુનિ.ના બાંધકામ પ્રોજેક્ટો માટે કામ કરતી ખાનગી કન્સલ્ટિંગ એજન્સી ઓક્ટર્સ સામે વિરોધ નોંધાવતા આ મુદ્દે ચર્ચા ઉઠાવી હતી. સિન્ડીકેટ બેઠકના એજન્ડામાં આ મુદ્દો ન હતો પરંતુ તેમ છતાં સિન્ડીકેટ સભ્યોને આ એજન્સીની કામગીરીની બાબત ગંભીર લાગી હોવાથી કુલપતિ સમક્ષ ચર્ચા કરતા આ એજન્સીને બદલવાની માંગ ઉઠાવી હતી.એક સિન્ડીકેટ સભ્યએ તો જરૃર પડે બ્લેક લિસ્ટ કરી દેવાની પણ માંગ કરી હતી.સિન્ડીકેટ સભ્યએ રજૂઆત કરી હતી કે યુનિ.ના તમામ બાંધકામ પ્રોજકટો આ એજન્સીની નિગરાનીમાં થાય છે ત્યારે નિયત સમય મર્યાદામાં કેટલાક પ્રોજકટ પૂર્ણ થયા નથી અને ઘણો વિલંબ થયો છે.જેથી હવે ટેન્ડરિંગ પ્રક્રિયા કરીને નવેસરથી નવી એજન્સીને કામ આપવુ જોઈએ.
સિન્ડીકેટ સભ્યોએ કરેલી ચર્ચા મુજબ ત્રણ વર્ષે એજન્સી બદલી દેવાની હોય પરંતુ છેલ્લા છ-સાત વર્ષથી આ એક જ ખાનગી એજન્સી રોકાઈ છે.સિન્ડીકેટ બેઠકમાં એજન્સી દ્વારા જે મહેનતાણુ લેવાય છે તે મહેનતાણાના દર વધુ હોવા બાબતે પણ ચર્ચા થઈ હતી.સિન્ડીકેટ મેમ્બરોએ ટેન્ડરિંગ કરી જરૃર પડે સરકારી એજન્સી રોકવા પણ ચર્ચા કરી હતી.અંતે તમામ સિન્ડીકેટ મેમ્બરોએ આ બાબતને ગંભીર ગણીને બિલ્ડીંગ કમિટીની મીટિંગમાં એજન્સીના તમામ કામો, તેના ભાવો સહિતની તમામ બાબતોને લઈને વિસ્તૃત ચર્ચા કરી આગળની કાર્યવાહી કરવા નક્કી કર્યુ હતું.