ગાંધીનગર ,તા. 20 એપ્રિલ 2023, ગુરુવાર : ગુજરાત વિધાનસભાએ બુધવારે ગૃહ બજેટ સમિતિ,જાહેર હિસાબ સમિતિ, જાહેર ઉપક્રમો માટેની સમિતિ અને પંચાયતી રાજ સમિતિ,ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ,આદિજાતિ સલાહકાર પરિષદ સહિતની સમિતિઓની રચના કરી હતી. ભાવનગર પશ્ચિમના ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીને જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. 15 સભ્યોની સમિતિના અન્ય સભ્યોમાં ભાજપના ધારાસભ્યો પ્રવીણ માલી,ડૉક્ટર હસમુખ પટેલ,વિરેન્દ્ર સિંહ ઝાલા,અમૂલ ભટ્ટ,કાંતિ લાલ અમૃતિયા,સીકે રાઉલજી,ઈશ્વરસિંહ પટેલ,અરવિંદ રાણા,કિશોર કાનાણી અને નરેશ પટેલનો સમાવેશ થાય છે.
કોંગ્રેસના બે ધારાસભ્યો સી.જે.ચાવડા અને અર્જુન મોઢવાડિયાને પણ આ કમિટીમાં સ્થાન મળ્યું છે,જ્યારે આમ આદમી પાર્ટીના હેમંત આહિર પણ કમિટીના સભ્ય છે.મહિલા ધારાસભ્ય મનીષા વકીલને બજેટ કમિટીના ચેરપર્સન બનાવવામાં આવ્યા છે. વરિષ્ઠ ધારાસભ્ય ગણપત વસાવાને જાહેર ઉપક્રમો અંગેની સમિતિના અધ્યક્ષપદ આપવામાં આવ્યા છે.નડિયાદના ભાજપના ધારાસભ્ય પંકજ દેસાઈને પંચાયતી રાજ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.આ સમિતિઓમાં દરેક પંદર સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.


