– રાજ્યમાં બે વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે સરકારનું જાહેર દેવું વધીને ત્રણ લાખ કરોડને પાર હશે,બજાર લોનનો મોટો હિસ્સો રહ્યો છે
ગુજરાતમાં ૨૦૨૨માં યારે વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે રાજ્ય સરકારના જાહેર દેવાની રકમ ત્રણ લાખ કરોડને પાર હશે.નાણા વિભાગાન અંદાજ પ્રમાણે જાહેર દેવું વર્ષેાવર્ષ વધતું ગયું છે.છેલ્લા બાર વર્ષમાં જાહેર દેવામાં અનેકગણો વધારો થયો છે.માર્ચ ૨૦૧૯ના અંતે જાહેર દેવું ૨.૩૮ લાખ કરોડ થયું હતું જે માર્ચ ૨૦૨૦માં વધીને ૨.૬૬ લાખ કરોડ થયું છે.
ગુજરાત સરકારનું જાહેર દેવું આગામી બે વર્ષના અંતે વધીને ત્રણ લાખ કરોડ થવાની સંભાવના છે.નાણા વિભાગના જણાવ્યા પ્રમાણે માર્ચ ૨૦૧૮ના અંતે જાહેર દેવું ૨.૧૭ લાખ કરોડ હતું.જાહેર દેવું એ કોઇપણ સરકાર માટે ચિંતાનો વિષય છે.દેવાના ઘટકો બદલાતાં સરકારને હવે કેન્દ્રની લોન ઓછી મળે છે અને બજાર લોન વધારે લેવી પડે છે.
ગુજરાત સરકારના નાણા વિભાગના એક ડોકયુમેન્ટમાં જણાવ્યા પ્રમાણે માર્ચ ૨૦૨૦ સુધીમાં તે ૨.૬૬ કરોડ થવાનો અંદાજ રાખવામાં આવ્યો હતો. એ જ પ્રમાણે માર્ચ ૨૧માં જાહેર દેવાનો આંકડો ૨.૯૬ કરોડ સુધી પહોંચી શકે છે.સરકારના જાહેર દેવામાં બજાર લોન,પાવર બોન્ડસ,કેન્દ્ર સરકારની લોન અને પેશગી,નાણાકીય સંસ્થાઓ તેમજ બેન્કો પાસેથી લીધેલી લોન તેમજ એનએસએસએફ લોનનો સમાવેશ થાય છે.
નાણા વિભાગના સૂત્રો જણાવે છે કે ૨૦૦૯ થી ૨૦૧૭ના વર્ષેા દરમ્યાન દેવાના ઘટકોમાં ફેરફારો થયા છે જેમાં કેન્દ્ર સરકારની લોનનું પ્રમાણ ૧૧.૮૭ ટકાથી ઘટીને ૩.૨૯ ટકા થયું છે.તે જ પ્રમાણે એનએસએસએફ લોનનો હિસ્સો ૫૧.૫૯ ટકાથી ઘટીને ૨૩.૨૬ ટકા થયો છે,બજાર લોનનો હિસ્સો ૩૨.૨૦ ટકાથી વધીને ૬૮.૨૮ ટકા થયો છે.જે બજાર લોન પર વધતી નિર્ભરતા પર પ્રકાશ પાડે છે.આગામી બે વર્ષમાં એટલે કે યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે ૨૦૨૨ સુધીમાં ગુજરાતનું જાહેર દેવું ત્રણ લાખ કરોડને પાર પહોંચી ચૂકયું હશે જેમાં સૌથી વધુ દેવું બજાર લોન આધારિત હશે.


