અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ આર.એમ છાયાની ગૌહાટી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરાઈ છે.અગાઉ 17મી મેના રોજ સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા તેમના નામની ભલામણ કરવામાં આવી હતી.તે બાદ આજે જસ્ટિસ આર.એમ છાયાના નામની જાહેરાત કરવામાં આવી છે.
આ બાબતે કેન્દ્રીય કાયદામંત્રી કિરણ રિજ્જૂએ સોશિયલ મીડિયા મારફતે જાણકારી આપી.ગુજરાત હાઇકોર્ટે વર્તમાન સિનિયર જજ જસ્ટિસ આર.એમ.છાયાને ગૌહાટી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે બઢતી આપવાની ભલામણ સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા કરવામાં આવ્યા બાદ તેમના નામની અધિકૃત જાહેરાત કરવામાં આવી છે.વર્ષ 2011માં ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે જોડાયા હતા.
જસ્ટિસ છાયાએ એમ.એસ.યુનિવર્સિટીમાંથી સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ એલ.એ.શાહ કોલેજમાંથી L.L.B.કર્યું હતું.ત્યારબાદ વર્ષ 1984માં વકીલાતનો પ્રારંભ કર્યો હતો.ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકાર તરફથી આસિસ્ટન્ટ ગવર્મેન્ટ પ્લિડર અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યૂટર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.તેઓ અમદાવાદ ઉપરાંત રાજકોટ અને ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનના એડવોકેટ રહી ચૂક્યા છે.ગુજરાત હાઇકોર્ટમાં કુલ 52 જજની સ્ટ્રેન્થ સામે જજની સંખ્યા 33 થઈ હતી.જેમાંથી 1 સિનિયર જજ બી.એન.કારિયા રિટાયર્ડ થયા છે.ઉપરાંત જસ્ટિસ જે.બી પારડીવાલાની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક થવાથી ગુજરાત હાઇકોર્ટમાં કુલ જજની સંખ્યા 31 થવા પામી છે.