અમદાવાદ, તા. 15 માર્ચ 2022 મંગળવાર : ગુજરાત હાઇકોર્ટની મહિલા વકીલના પતિની પ્રેમલીલાનો પર્દાફાશ થતા પરિણીતાએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં સાસરિયાં વિરુધ્ધ સોમવારે બપોરે ફરિયાદ નોંધાવી છે.સાસરિયાં દહેજની માગણી કરતા પિતાએ આપેલા રૂપિયા લઈ હનીમૂન ટૂર પર ગયાનો આક્ષેપ વકીલે ફરિયાદમાં કર્યો છે.દીકરીનો સંસાર ટકાવવા પિતાએ પતિને અઢી લાખની રોકડ અને બે તોલા ગોલ્ડ આપ્યું પણ લગ્નજીવનમાં કોઈ સુધારો આવ્યો ન હતો.
મહિલા વકીલે ફરિયાદમાં જણાવ્યા મુજબ 2017માં પાર્થ સાથે પ્રેમ લગ્ન થયા બાદ સાસરીમા ગઈ તો સાસુએ તારા પિતાએ દહેજમાં કઈ આપ્યું નથી તેમ કહ્યું હતું.લગ્ન બાદ આંદબાર-નિકોબાર ફરવા જવા માટેનો ખર્ચ યુવતીના પિતાએ આપ્યો હતો.ફરીને આવ્યા બાદ સાસુએ ઘરકામ તારે જ કરવાનું તેમ કહી તકરાર અને મારઝૂડ કરી હતી.જે બાબતે પતિ અને સસરાએ સાસુનો પક્ષ લીધો મહિલા વકીલે તેના માટે પિતાને જાણ કરતા તેઓએ આવી મામલો ઠંડો પાડ્યો હતો.સાસરિયાએ ફરી તકરાર ન કરવાની ખાતરી આપી હતી.
લગ્નજીવ દરમિયાન પુત્રનો જન્મ થયો પણ સાસુ સસરા ખબર પૂછવા આવ્યા ન હતા.સાસરીમાં પતિ અને દિયર લઈ ગયા પણ થોડા દિવસ બાદ તકરાર ચાલુ કરી હતી.પતિ સાથે અલગ રહેવા ગયા બાદ કઈ કામ ધંધો કરતો ન હતો.યુવતીના પિતાએ ધંધામાં મદદ કરી પણ આવક કોઈ થતી ન હતી.પત્નીએ પૂછતાં પતિએ મારઝૂડ કરી હતી.દરમિયાન મિત્રો સાથે ફરવા જતો પતિ મોડી રાત્રી સુધી ફોન પર ચેટ કરતો હતો.પત્નીને શંકા જતા કોઈ યુવતી સાથેના મેસેજ તેમજ ફોટો જોવા મળ્યા હતા.પતિને પૂછતાં તેને કાનન નામની યુવતી સાથે પ્રેમ હોવાનું અને બન્ને જોડે રહેશે તેમ કહ્યું હતું.તે પછી પણ પતિ પાર્થને સમજાવવાના અનેક પ્રયાસ બાદ પણ ફેરફાર ના થતા મહિલા વકીલે સાસરિયાં વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.