અમદાવાદ,તા.01 સપ્ટેમ્બર,ગુરૂવાર : ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટ કામગીરી માટે સત્તાવાર ભાષા તરીકે ગુજરાતી ભાષાને સામેલ કરવાની માંગણી મુદ્દે આજે ગુજરાત બાર કાઉન્સીલની જનરલ બોર્ડની મહત્વની બેઠક મળી હતી.જેમાં આગામી દિવસોમાં આ સમગ્ર મામલે સંબંધિત સત્તાધીશો સમક્ષ ઉગ્ર અને અસરકારક રજૂઆત કરવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતુ.
બાર કાઉન્સીલના જનરલ બોર્ડમાં ગુજરાતી ભાષા મુદ્દે ઉંડાણપૂર્વકની ચર્ચા વિચારણા કરવામાં આવી
તાજેતરમાં જ ખુદ બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લા સહિત અન્ય કેટલાક સભ્યોએ હાઇકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર કરવા મુદ્દે ગુજરાત બાર કાઉન્સીલને પત્ર લખ્યો હતો અને આ સમગ્ર મામલે રાજયભરના ૨૭૨ બાર એસોસીએશનને વિશ્વાસમાં લઇ વિશાળ પ્રતિનિધિમંડળ સાથે રાજયપાલને મળવાની માંગણી કરી હતી.જેના અનુસંધાનમાં આજે ગુજરાત બાર કાઉન્સીલની જનરલ બોર્ડની અસાધારણ સભા બોલાવવામાં આવી હતી.જેમાં બાર કાઉન્સીલના સિનિયર સભ્યો વિજય એચ.પટેલ, અનિલ સી.કેલ્લા સહિતના સભ્યોની હાજરીમાં ગુજરાતી ભાષા મુદ્દે બહુ ઉંંડાણપૂર્વકની ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.બેઠકમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટમાં સત્તાવાર ભાષા તરીકે ગુજરાતી ભાષાનો બંધારણની કલમ-૩૪૮(૨) અન્વયે અમલ થાય તે માટે આગામી દિવસોમાં સંબંધિત સત્તાધીશો સમક્ષ યોગ્ય રજૂઆત કરવામાં આવશે.દરમ્યાન બાર કાઉન્સીલ દ્વારા આજે લેવાયેલા નિર્ણયને લઇ રાજયના સૌથી મોટા અમદાવાદ ક્રિમીનલ કોર્ટસ બાર એસોસીએશન સહિતના બાર એસોસીએશન દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું.બાર કાઉન્સીલ દ્વારા હવે આગામી દિવસોમાં રાજયના ૨૭૨ જેટલા વિવિધ બાર એસોસીએશનોને વિશ્વાસમાં લઇ આ સમગ્ર મામલે યોગ્ય રણનીતિ નક્કી કરવામા આવશે.