અમદાવાદ, તા.3 ફેબ્રુઆરી, શુક્રવાર : ગુજરતમાં જુનિયર ક્લાર્કનું પેપર ફુટ્યા બાદ ગુજરાત ATS દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરીને વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ ગુજરાત ATS દ્વારા વધુ બે આરોપીનોને ઝડપી પાડવામાં આવ્યા છે.
જુનિયર ક્લાર્ક પેપર લીક થયા બાદ લાખો વિદ્યાર્થીઓને નિરાશા સાથે ઘરે જવું પડ્યું હતું.છેલ્લા ઘણા સમયથી મહેનત કરી રહેલા વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું હતું.ત્યારે સમગ્ર મામલે ATS પણ કાર્યવાહી કરવામાં કોઈ કશર ન રાખતી હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ પ્રતીત થઈ રહ્યું છે.ગુજરાત ATS દ્વારા કોલકત્તાથી બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.બંને આરોપીઓ મૂળ બિહારના છે અને વડોદરા ખાતે રહેતા હોવાનું પ્રાથમિક તપાસમાં માલૂમ પડ્યું છે.નિશિકાંતસિંહા કુશવાહ અને સુમિતકુમાર રાજપૂત નામના બંને આરોપીઓને પેપરલીક કાંડમાં ઝડપી લેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર પેપરકાંડ વડોદરા શહેરમાં ભાસ્કર ચૌધરીની ઓફિસથી પકડાયું છે અને ગુજરાત ATS આ મામલે તપાસ પણ બારીકાઈથી કરી રહી હોય તેવું લાગે છે ત્યારે એક પછી એક આરોપીઓની ધરપકડ કરવામાં ગુજરાત ATS ને મોટી સફળતા મળી રહી છે.
ગઈકાલે યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સમાં આ નામ આપ્યા હતા
ATSની ટીમે કોલકાતાથી નિશિકાંત સિંહા અને સુમિત કુમારની ધરપકડ કરી છે.જે આ પેપરલીક કાંડના મુખ્ય આરોપીઓ હોવાનું કહેવાય છે.માહિતી મુજબ ATSની ટીમે મોડી રાત્રે કોલકાતાથી આ બંનેની ધરપકડ કરી હતી.અત્યાર સુધીમાં પેપરકાંડમાં 19 જેટલા આરોપીઓ સકંજામાં આવી ચૂક્યા છે.ગઈકાલે યુવરાજસિંહ જાડેજાએ પેપરલીક કાંડમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.જેમાં નિશિકાંત સિંહાનું પણ નામ લીધું હતું અને કહ્યું હતું કે, રાજકીય વગ ધરાવતા નિશિકાંત સિંહાએ જ અગાઉ ભાસ્કર ચૌધરીને તિહાર જેલમાંથી છોડાવ્યા હતા અને દરેક વખતે પેપર કાંડમાં પોતે કોઈને કોઈ રીતે છટકી જાય છે.ત્યારે હવે ATSની તપાસનો રેલો તેમના સુધી પહોંચતા તેમની ધરપકડ કરી લેવામાં આવી છે.
‘ઉર્જા વિભાગમાં કૌભાંડથી 300થી વધુ લોકોને નોકરી અપાવી’
યુવરાજસિંહે કહ્યું હતું કે, કેતન બારોટ અરવલ્લીના આસપાસના વિસ્તારો સાથે સીધી રીતે સંકળાયેલા છે.મોટાભાગની તમામ લિંકો અરવલ્લી આસપાસના વિસ્તારો તેની સાથે સીધી સંકળાયેલી છે.તેમાં ખાસ કરીને કેતન બારોટનું મોસાળ નરસિંહપુર આવેલું છે અને નરસિંહપુરમાં તેમની મુલાકાત અવિનાશ પટેલ સાથે થઈ હતી.આ અવિનાશ પટેલ ભૂતકાળની ઘણી પરીક્ષાના પેપર લીકમાં સીધો સંકળાયેલો છે.તેમના ધર્મપત્ની,તેમના બહેન અને સંબંધીઓ પણ ઊર્જા વિભાગની ભરતીમાં કૌભાંડથી લાગ્યા છે.તેમના પત્નીનું સર્ટિફિકેટ પણ નકલી છે,જે ભાસ્કર ચૌધરી પાસેથી મેળવ્યું છે.
અવિનાશ સાથે અરવિંદ પટેલ,અજય પટેલ અને દેવ પટેલ, આ લોકોએ ઊર્જા વિભાગની ભરતીમાં ઓછામાં ઓછા અમારી પાસે ડેટા છે તે મુજબ 300થી વધુ લોકોને સિસ્ટમેટિક રીતે નોકરીએ લગાડ્યા છે.જેની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવતી અને આ ભાસ્કર ચૌધરીની ઈન્સ્ટીટ્યુટ હતી સ્ટેક વાઈઝ ટેકનોલોજી એમાં અવિનાશે 70-80 લાખનું ફંડિંગ કરેલું છે.તેમણે આગળ કહ્યું કે, અવિનાશની નરસિંહપુરમાં આવેલી PNB બેંકનો ડેટા તપાસતા તમામ વિગતો સામે આવી જશે.આ સાથે જ યુવરાજ સિંહે વર્ષ 2014 બાદથી લેવામાં આવેલી સરકારી પરીક્ષાની પણ તપાસ કરવા કહ્યું.તેમણે કહ્યું, ભૂતકાળમાં લીક થયેલા પેપર મામલે જે આરોપીઓ હતા તેમના જ સંપર્કમાં રહેલા વ્યક્તિઓએ અન્ય પેપર ફોડ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.અને બધાની ઉપર નિશિકાંત સિંહા નામના રાજકીય વગ ધરાવતા વ્યક્તિનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે.જે ભાસ્કર ચૌધરી અગાઉ તિહાડ જેલ ગયા હતા,જેને ત્યાંથી છોડાવનાર નિશિકાંત સિંહા છે.તેની પણ તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ.