– લીંબાયત અને ડીંડોલીમાં બે અલગ ગેંગ બનાવી ખંડણી વસુલતા મનીયા ડુક્કર અને છ સાગરીતો વિરુદ્ધ લીંબાયત પોલીસે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છ ની ધરપકડ કરી હતી
– ડીંડોલીમાં નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં હાલ વડોદરા જેલમાં બંધ હોવા છતાં શ્રમજીવીને ધાકધમકી આપી મનીયા ડુક્કર અને સાગરીતોએ ખર્ચા પાણી માટે રૂ.50 હજાર માંગ્યા હતા
સુરત, તા. 25 જુલાઈ 2023 મંગળવાર : લીંબાયત અને ડીંડોલીમાં બે અલગ ગેંગ બનાવી ખંડણી વસુલતા મનીયા ડુક્કર અને છ સાગરીતો વિરુદ્ધ લીબાયત પોલીસે ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી છ ની ધરપકડ કર્યા બાદ કુખ્યાત મનીયા ડુક્કરની ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવી ગતરોજ ધરપકડ કરી હતી.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ અમારી ગેંગના બંટી દયાવાન,આંબા કોળી અને કેલીયાભાઈ જેલમાં છે તેમના ખર્ચા માટે પૈસા જોઈએ છીએ કહી પ્રોટેક્શન મની માંગનાર કેલીયા,દયાવાન અને મનીયા ડુક્કર ગેંગ વિરુદ્ધ ડિંડોલી પોલીસે ગત ડિસેમ્બર 2021 માં ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી હતી.
ઉધના,લીંબાયત,ગોડાદરા અને ડિંડોલી વિસ્તારમાં 58 ગુના આચરનાર જુદીજુદી ગેંગ પૈકી મનીયા ડુક્કર લીંબાયત અને ડીંડોલીમાં બે અલગ ગેંગ બનાવી ખંડણી વસૂલતો હતો.ડિંડોલીમાં નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં હાલ વડોદરા જેલમાં બંધ હોવા છતાં શ્રમજીવીને ધાકધમકી આપી મનીયા ડુક્કર અને સાગરીતોએ ખર્ચા પાણી માટે રૂ.50 હજાર માંગ્યા હતા.આથી લીંબાયત પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.જોકે, ડિંડોલી બાદ લીંબાયત પોલીસે પણ ખંડણી વસુલતા મનીયા ડુક્કર અને છ સાગરીતો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી તેના છ સાગરીત યોગેશ ઉર્ફે બરબડીયો વિનાયક પાટીલ,સાગર ઉર્ફે કાલીયા પ્રહલાદ પાટીલ, દિનેશ ઉર્ફે દિપક ગોલ્ડન ગૌતમ ભીરાડે,જયેશ ઉર્ફે જયેશ કાલીયો રમેશભાઈ પટેલ,ગણેશ ઉર્ફે ગણ્યો ઉર્ફે મનીયા કા ગણીયા સંજય વાડીલે અને સાગર ઉર્ફે ઘોડો હરીશ પાટીલની ધરપકડ કરી હતી.જયારે વડોદરા જેલમાં બંધ સાગર ઉર્ફે નિતીન ઉર્ફે મનોજ ઉર્ફે મન્યા ડુક્કર સંતોષ સોનવણે ( ઉ.વ.24, રહે.ઘર નં.266, નિલકંઠ પાર્ક સોસાયટી, સણીયા ગામ,ખરવાસા રોડ,ડીંડોલી, સુરત. મુળ રહે.ગોળીસગાવ, તા.શિરપુર, જી.ધુલીયા, મહારાષ્ટ્ર ) ની ગતરોજ ટ્રાન્સફર વોરંટના આધારે કબ્જો મેળવી ધરપકડ કરી હતી.