અમદાવાદ, તા. 12 માર્ચ 2022, શનિવાર : શું માત્ર મિસ્ડ કોલ કરવાથી બિલની ચૂકવણી કે પેમેન્ટ ચુકાવાઈ જાય છે? આ આઈડિયા સાંભળતા જ ગમી જાય તેવો છે ને,તો તે હવે હકીકત બનવા જઈ રહ્યો છે.યાદ હોય તો જ્યારે મોબાઈલ ફોનનો જમાનો નવો નવો હતો ત્યારે ઘણાં ભારતીયો માટે તો મિસ્ડ કોલ જાણે કે સંદેશાવ્યવહારની પદ્ધતી બની ગઈ હતી.પોતાની સગવડ પ્રમાણે એક અને બે મિસ્ડ કોલ કે ટૂંકા અને લાંબા મિસ્ડ કોલના અલગ અલગ અર્થ તૈયાર કરીને બે વ્યક્તિ એકબીજા સાથે એક પણ અક્ષર બોલ્યા વગર વાત કરી લેતી હતી.તો હવે મિસ્ડ કોલથી પેમેન્ટ પણ થઈ શકશે.મૂળ 2016માં જ્યારે કેન્દ્રની મોદી સરકારે ડિમોનેટાઈઝેશન કર્યું અને નોટબંધી આવતાં જ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ સ્વીકારવી સમયની જરુરિયાત બની ગઈ હતી.જોકે,તે સમયે ઘણાં એવા લોકો હતા જેમની પાસે સ્માર્ટ ફોન નહોતો તો ઘણાં એવા પણ હતાં જેમની પાસે સ્માર્ટફોન તો હતો પરંતુ ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મનો ઉપયોગ તેમના માટે ખૂબ જ મુશ્કેલ હતો અને તેઓ આ સમસ્યાથી ઝઝૂમી રહ્યા હતા.તેવા સમયે કચ્છ ભુજના વતની મિતેશ ઠક્કરે વિચાર કર્યો કે,સ્માર્ટફોન ન હોય તેવા લોકોને પણ ડિજિટલ પેમેન્ટની આ નવી દુનિયામાં સશક્ત બનાવવા જોઈએ.
ઠક્કરે જણાવ્યું હતું કે,ભલે હાલમાં વસ્તીનો ઘણો મોટો ભાગ QR કોડ સ્કેન કરીને પેમેન્ટ કરતો થઈ ગયો છે અથવા તો પછી કેશલેસ સિસ્ટમના બીજા કોઈ માધ્યમનો ઉપયોગ કરી રહ્યો છે.તેમ છતાં એક મોટો વર્ગ એવો છે કે જે આ જગતથી અળગો છે.જેના માટે જવાબદાર કારણોમાં માત્ર નવી ટેક્નોલોજીથી અજાણ જ નહીં પરંતુ નબળા ઈન્ટરનેટ કનેક્શન,સ્માર્ટફોન આધારીત આ પ્રકારની એપ્સની કોમ્પ્લિસિટી પણ છે.’ આ કારણે જ ઠક્કરે વિકસાવેલી ટેક્નોલોજી મિસકોલપે દ્વારા યુઝર્સ જે નંબર પર પેમેન્ટ કરવું હોય તેને મિસકોલ આપીને રિટર્નમાં તેના પરથી રિટર્ન કોલ મેળવી શકે છે અને પછી પીન આપે એટલે પેમેન્ટ થઈ જાય છે.
આ આઈડિયા CIIE.CO, IIM અમદાવાદ (IIM-A),નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના 2019માં ઈન્ક્યુબેટર દ્વારા આપવામાં આવેલી ચેલેન્જમાં ત્રણ વિજેતાઓમાંનો એક હતો.અન્ય બે Gupshup અને ToneTag – બંને ઑફલાઇન સાઉન્ડ-આધારિત સિસ્ટમ્સ (ઈન્ટરેક્ટિવ વોઈસ રિસ્પોન્સ અને પ્રોક્સિમિટી સાઉન્ડ) નો ઉપયોગ કરીને પેમેન્ટ ઈનિશિએટ કરવા અને ઓથેન્ટિકેટ કરવા માટે ઉપયોગ થાય છે.ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા આ અઠવાડિયાની શરૂઆતમાં UPI123pay લોન્ચ કરતી વખતે ગ્રામીણ ભારતને લક્ષ્યાંક બનાવી મોટા વર્ગનો ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં સમાવેશ કરવા માટે ત્રણેય ટેક્નોલોજીને અપનાવવામાં આવી છે. CIIE.COના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ત્રણ ટેક્નોલોજી નાણાકીય માર્કેટમાં આગામી લહેરનું નિર્માણ કરી રહી છે.


