નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયાની કોર્ટે ગૂગલને યુટ્યુબના બે અપમાનજનક વીડિયો બદલ ભૂતપૂર્વ રાજકારણીને ૭,૧૫,૦૦૦ ઓસ્ટ્રેલિયન ડોલર્સ(૫,૧૫,૦૦૦ ડોલર)ચૂકવવાનો આદેશ આપ્યો છે.ન્યૂ સાઉથ વેલ્સના ભૂતપૂર્વ ડેપ્યુટી પ્રીમિયર જ્હોન બારિલારોએ બે વીડિયો માટે ગૂગલ અને કોમેડિયન જોર્ડન શેન્ક્સ પર કેસ કર્યો હતો.જસ્ટિસ સ્ટિવન રેર્સને લાગ્યું હતું કે,બારિલારો યુટ્યુબ દ્વારા ચલાવાયેલા જાતિવાદી, અપમાનજનક ઝુંબેશનો ભોગ બન્યા હતા.બારિલારોએ જણાવ્યું હતું કે,“ચુકાદાને પગલે મારી વાત સાબિત થઈ છે.હું આજે ભાવુક છું.મને એ વાતનો આનંદ છે કે,સફર પૂરી થઈ છે.ગૂગલ સામે બાથ ભીડવા તમારે બહાદુર અથવા મૂર્ખ હોવું જરૂરી છે.”સોમવારે આ મુદ્દે ગૂગલનો મત જાણી શકાયો ન હતો.
વકીલ પૌલ સ્વિલન્સે જણાવ્યું હતું કે,“મારી જાણમાં કદાચ આ એક માત્ર કેસ છે જેમાં યુટ્યુબના કામ માટે ગૂગલ પર બદનક્ષીનો દાવો કરાયો હોય.”તેમણે કહ્યું હતું કે,ગૂગલે વીડિયો સપ્ટેમ્બર અને ઓક્ટોબર ૨૦૨૦માં ડાઉનલોડ કર્યા હોત તો બારિલારોએ તેની પર કેસ ન કર્યો હોત.સ્વિલન્સે જણાવ્યું હતું કે,“તેમને અમારો પત્ર મળ્યો અને અમે કીધું કે આ અપમાનજનક છે,વંશીય ટિપ્પણી છે તો તેમણે આ મુદ્દાની નોંધ લેવી જોઇએ હતી.જોકે,તેમણે આ બાબતની નોંધ લીધી ન હતી.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે,“ગૂગલ ટ્રિલિયન ડોલરની કંપની છે અને તેણે બારિલારો માટે વંશિય ટિપ્પણી પ્રકાશિત કરવામાં મદદ કરી હતી.”જજે જણાવ્યું હતું કે,બારિલારોનો વીડિયો હજારો વખત જોવાયો હતો અને તેમાંથી ગૂગલને મોટી કમાણી થઈ હતી.