નવી દિલ્હીઃ ભારતમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને જોતા વૈજ્ઞાનિકોએ કોરોનાનો ઈલાજ શોધવા માટે નવા પ્રયોગો શરૂ કરી દીધા છે.આમ હવે ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયાએ ફેવિપિરાવિર નામના એન્ટી વાયરલ દવાને દેશમાં ટ્રાયલ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે.વડાપ્રદાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળા વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ (CSIR)એ આની મંજૂરી મળ્યા બાદ આગામી સપ્તાહે આની ટ્રાયલ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
CSIRના મહાનિર્દેશક ડો શેખર માંડેના જણાવ્યા પ્રમાણે ફેવિપિરાવિર એક એવી દવા છે જે પહેલા ઈન્ફ્લૂએઝાની સારવાર માટે ભારત સહિત અનેક દેશોમાં પ્રયોગ કરવામાં આવી છે.અમને આશા છે કે આનાથી કોરોના વાયરસ કાબુ મેળવી શકાય છે.તેમણે જણાવ્યું હતું કે દવા થકી કોરોના વાયરસની સારવાર કરવા માટે સીએસઆઈઆર અને એક અન્ય કંપનીએ મંજૂરી માંગી હતી.સીએસઆઈઆરને મંજૂરી મળી ગઈ છે.અમને આશા છે કે આગામી સપ્તાહ સુધી અમે આના ઉપર કામ કરવાનું શરૂ કરી દઈશું.
ડો શેખર માંડેએ જણાવ્યું હતું કે, ફેવિપિરાવિર એક સુરક્ષિત દવા છે અને આની ટ્રાયલમાં સીધું જ ફેઝ-2નું પરીક્ષણ શરૂ કરી શકાય છે. તેમણે જણાવ્યું હતું કે, અમને આશા છે કે આ ટ્રાયલ એક મહિનામાં પૂરી થઈ જશે.જો ટ્રાયલના પરિણામ સારા આવશે તો અમે કોરોના વાયરસ સામે લડવાની દવાને જલદી યોગ્ય ભાવમાં ઉપલબ્ધ કરાવીશું. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 3390 નવા કેસો સામે આવ્યા છે. જ્યારે 103 લોકોના મોત નીપજ્યા છે.હવે સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 56342 થઈ છે જ્યારે ખતરનાક વાયારસે ભારતમાં 1886 લોકોનો ભોગ લીધો છે. ગત 24 કલાકમાં 1273 લોકો સાજા થઈને ઘરે પરતફર્યા છે.નવા આંકડા પ્રમાણે 29.35 ટકા દર્દીઓ આ બીમારીમાંથી સાજા થઈ રહ્યા છે.

