– યુએપીએની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ
મુંબઇ : નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ)એ આજે અંડરવર્લ્ડના ડોન દાઉદ ઇબ્રાહિમ અને અન્યો સામે યુએપીએ એકટની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો.એક સમાચાર એજન્સીના સૂત્રોના જણાવ્યાનુસાર કેન્દ્રીય ગૃહમંત્રાલયે એનઆઇએના અધિકારીઓને દાઉદ ઇબ્રાહિમ સામે ઉંડી તપાસ શરૂ કરવા બાબતે મંજૂરી આપી છે.એનઆઇએના એક અધિકારીએ સમાચાર એજન્સીને જણાવ્યુ હતું કે એનઆઇએએ નોંધેલ એફઆઇઆરમાં દાઉદ ઇબ્રાહિમ અને તેના સાગરિતોના નામનો ઉલ્લેખ છે.
રિપોર્ટ મુજબ દાઉદ ઇબ્રાહિમ ઘણા સમયથી દેશમાં આતંકી ગતિવિધિઓ વધારવાનું કામ કરી રહ્યો છે.તપાસ એજન્સી અનુસાર આરોપીઓએ હવાલા ચેનલોની મદદથી એવા તત્વોને આર્થિક મદદ પહોંચાડી હતી જે દેશમાં અશાંતિ ફેલાવવાનું કામ કરી રહ્યા છે.કેન્દ્રીય તપાસ એજન્સીઓ દાઉદ ઇબ્રાહિમ અને તેની ડી- કંપનીની ગતિવિધિઓ પર બારિકાઇથી નજર રાખી રહી છે.
એજન્સીઓએ તેમની તપાસમાં નોંધ્યું હતું કે હાલના દિવસોમાં દાઉદના સાગરિતોએ દેશભરમાં અશાંતિ અને અરાજક્તા ફેલાવવા નવા લોકોને પોતાની ગેન્ગમાં સામેલ કર્યા છે.દાઉદ અને તેની ડી- ગેન્ગ સતત દેશવિરોધી પ્રવૃત્તિઓને પીઠબળ પૂરૂં પાડી વિવિધ ધાર્મિક સમુદાયો વચ્ચે તણાવ અને ફૂટ પાડવાનો પ્રયાસ કરી રહી છે.
એનઆઇએના સૂત્રોએ નામ ન આપવાની શરતે સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે દેશભરમાં ચાલતી રાષ્ટ્રીયવિરોધી પ્રવૃત્તિઓમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનો હાથ હોવા બાબતે અધિકારીઓ સાથે જાણકારી શેર કરવામાં આવી હતી.જેમા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે દાઉદ ઇબ્રાહિમ તેના ખરાબ ઇરાદાઓને અંજામ આપવા લોકોની ભર્તી કરી રહ્યો છે.
આ સાથે જ દેશમાં અશાંતિ,અરાજક્તા અને રમખાણ ફેલવવા જેવી સ્થિતિ ઉભી કરવાના આશયથી રાષ્ટ્રવિરોધી તત્વોની મદદ કરી રહ્યો છે.દાઉદ ઇબ્રાહિમ અને તેના સાગરિકો વાતચીત અને સંપર્ક કરવા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે.