– આરોપીઓના હુમલા બાદ પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કરેલો – સરકાર
– પોલીસે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ભંગ કર્યો – અરજદાર
સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ગેડીયા ગામે નવેમ્બર 2021માં કુખ્યાત ગેંગસ્ટર હનીફખાન મલેક અને તેના 14 વર્ષના પુત્ર મદીન મલેકને પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મારવાના કેસમાં થયેલી જાહેરહિતની રિટ અરજીમાં ગુજરાત હાઇકોર્ટે આ સમગ્ર પ્રકરણમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા(DSP)ને તપાસનો હુકમ કરી રિપોર્ટ રજૂ કરવા અગત્યનો આદેશ કર્યો છે.ભૂતકાળમાં હાઈકોર્ટે આદેશ કરેલો કે, આ કેસમાં જે છ પોલીસ કર્મચારીઓ પર એન્કાઉન્ટરનો આક્ષેપ છે અને જેઓ સ્થળ પર હાજર હતા તે પીએસઆઇ વીરેન્દ્રસિંહ જાડેજા સહિતના સાત પોલીસ કર્મચારીઓને હાઇકોર્ટે નોટિસ જારી સરકારનો ખુલાસો માંગી હથિયારના બેલેસ્ટીક રિપોર્ટ સહિતના પુરાવા રજૂ કરો.
આ આદેશ બાદ, રાજય સરકારે બેલેસ્ટીક રિપોર્ટ, પીએમ રિપોર્ટ સહિતના કેસના તમામ દસ્તાવેજો અને માહિતી ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કર્યા હતા.જો કે, રાજય સરકારે એન્કાઉન્ટર મામલે પોલીસનો બચાવ કર્યો હતો.ખાસ કરીને 14 વર્ષના મદીને પોલીસ પર પહેલા હુમલો કર્યો હતો અને તેથી પોલીસે સ્વબચાવમાં ફાયરીંગ કર્યો હોવાનો બચાવ રજૂ કરાયો હતો.હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે, 14 વર્ષનો એક બાળક આટલા બધા પોલીસ અધિકારીઓ અને જવાનો માટે કેવી રીતે ખતરારૂપ હોઇ શકે.આ કેસમાં રાજય સરકારે સોગંદનામા મારફતે પોલીસનો બચાવ કરતાં જણાવ્યું હતું કે, પોલીસ જયારે કુખ્યાત ગેંગસ્ટર હનીફ મલેક અને તેના પુત્ર મદીનને પકડવા ગઇ ત્યારે તેઓએ સૌથી પહેલા પોલીસ પર હુમલો કર્યો હતો અને ત્યારે પોલીસને સ્વબચાવમાં ફાયરીંગ કરવાની ફરજ પડી હતી,જેમાં બંને પિતા-પુત્ર માર્યા ગયા હતા.હનીફનો પુત્ર મદીન પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો.
અરજદારના વકીલે હાઇકોર્ટને જણાવ્યું કે, ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય તો પણ તેને પોલીસ દ્વારા એન્કાઉન્ટરમાં ઠાર મારી શકાય નહી.આ કેસમાં સુપ્રીમકોર્ટની માર્ગદશકાનો દેખીતી રીતે ભંગ થયો છે.સુપ્રીમ કોર્ટે 16 વર્ષથી નીચેના સગીરનું એન્કાઉન્ટર કરવા મામલે તેના ચુકાદા મારફતે સ્પષ્ટ માર્ગદર્શિકા જારી કરેલી છે,તેનો ભંગ થયો છે.અરજદારપક્ષ તરફથી આ સમગ્ર એન્કાઉન્ટરમાં જે પોલીસ કર્મચારીઓની ભૂમિકા છે અને જેઓ સ્થળ પર હાજર હતા તેઓનો ખુલાસો માગો અને આ સમગ્ર એન્કાઉન્ટર કેસમાં જયુડીશીયલ ઇન્કવાયરી કરાવો.