મુંબઈ : સ્કૂલ મેનેજમેન્ટ કમિટી તેમજ વાલીઓ અને શિક્ષક કાર્યકારી સમિતિની માન્યતા ન લેતાં ખાનગી સ્કૂલો ફી વધારો કરશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.ફી વધારો કરનારી સ્કૂલો બાબતે વાલીઓ સંબંધિત શિક્ષણાધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરશે તો ફી રેગ્યુલેશન એક્ટની જોગવાઈ અનુસાર સંબંધિતો સામે કાર્યવાહી કરવામાં આવશે,એવું શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે.રાજ્યમાં શૈક્ષણિક વર્ષની શરુઆત થતાં જ ખાનગી સ્કૂલ મેનેજમેન્ટે ૨૦ થી ૩૫ ટકા ફી વધારી હોવાની ફરિયાદો છાપે ચડી હતી.સ્કૂલ શિક્ષણ વિભાગે તુરંત તેની દખલ લઈ તેનો ખુલાસો કરતાં જણાવ્યું છે કે,કાયદાને બાજુએ મૂકી ગેરકાયદે ફી વધારો કરનારી સ્કૂલો સામે કાર્યવાહી કરવામાં આવશે.
મહારાષ્ટ્ર શૈક્ષણિક સંસ્થા(ફી રેગ્યુલેશન)એક્ટની જોગવાઈનુસાર,સ્કૂલ મેનેજમેન્ટને દર બે વર્ષે ફી ધોરણમાં ૧૫ ટકા વધારાની પરવાનગી છે.પરંતુ સ્કૂલ મેનેજમેન્ટે વાલી-શિક્ષક સંગઠનની કાર્યકારી સમિતિ સામે પ્રસ્તાવ રજૂ કરી બાદમાં ફી વધારો કરવામાં આવે છે.પરંતુ જો સ્કૂલો બે વર્ષના સમયગાળા પહેલાં તેમજ ૧૫ ટકાથી વધુ જો ફી વધારો કરે તો તેમની સામે કાર્યવાહી થઈ શકે છે અને આવી ફરિયાદો શિક્ષણ વિભાગ પાસે આવી હોવાથી શિક્ષણ વિભાગે હવે કડક પગલાં લેવામાં આવશે,એવું અન્ય સ્કૂલોને પણ ચેતવવા માટે સ્પષ્ટ કર્યું છે.