સુરત : તા.27 મે 2022, ગુરૂવાર : સુરત મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોનમાં ઐતિહાસિક ગોપી તળાવની નજીક એક મદરેસા ગેરકાયદે ઉભી કરી દેવામાં આવી હતી.આ મદરેસા ગેરકાયદે હોવાથી પાલિકાએ નોટિસ આપતા સંચાલકોએ સ્વૈચ્છિક ડિમોલિશનની ખાતરી આપીને સમય માગ્યો હતો.પાલિકાએ સમય આપતા સંચાલકો આ મુદ્દાને વકફ બોર્ડ બાદ હાઈ કોર્ટમાં લઈ ગયા હતા.પરંતુ હાઈ કોર્ટમાં મદરેસા ગેરકાયદે હોવાનું જાહેર થતાં કોર્ટના આદેશ બાદ આજે પાલિકાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલીશનની કામગીરી હાથ ધરી હતી.સુરત મ્યુનિ.ના સેન્ટ્રલ ઝોન વિસ્તારનાં વોર્ડ નં.૦૨,નોંધનં.૪૯૩૬,૪૯૩૭ વાળી સુરત મહાનગરપાલિકાની જગ્યામાં કથીત મદ્રેશાનું ગેરકાયદેસર કરેલ બાંધકામ કરવામાં આવ્યું હતું.આ ગેરકાયદે બાંધકામ અંગે પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી.આ નોટિસ બાદ સંચાલકોએ દસથી પંદર દિવસમાં સ્વૈચ્છિક રીતે મદ્રેસા દૂર કરવાની વાત અધિકારીઓ સાથે કરવામાં આવી હતી.ત્યારબાદ મદ્રેસાના સંચાલકો દ્વારા આ સમગ્ર કેસને વકફ બોર્ડમાં લઇ જવાયો હતો અને ત્યાર બાદ સમગ્ર મામલાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો.દરમિયાન મદ્રેસાના સંચાલકો દ્વારા ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેના તમામ પોતાના નામે વેરા બિલ આવે તે પ્રકારની તજવીજ હાથ ધરી હતી. પરંતુ આ કારની વિભાગ દ્વારા કેટલાક પુરાવા માંગવામાં આવ્યા હતા જેના આધારે નક્કી થયું હતું કે તેઓ આ મિલકતના માલિક નથી.આગળની વિભાગ દ્વારા વેરા ન સ્વીકારાતા મદ્રેસા સંચાલકોની પીછેહઠ થઈ હતી.