અમદાવાદ : અમદાવાદ એટીએસ (Gujarat ATS) અને ક્રાઇમ બ્રાંચે (Crime Branch) ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યા માટે આવેલા ઇરફાન શેખ નામના શાર્પ શૂટર (Sharp Shooter)ની અમદાવાદની હોટલમાંથી ધરપકડ કરી લીધી છે.મંગળવારે રાત્રે એટીએસ અને ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે કોઈ શાર્પ શૂટર રિલિફ રોડ પર આવેલી વિનસ હોટલમાં રોકાયો છે અને ગુજરાતના કોઈ મોટા નેતાની હત્યા કરવાના ઇરાદા સાથે આવ્યો છે.ઇરફાન શેખ છોટા શકીલ ગેંગનો શાર્પ શૂટર છે.
વિનસ હોટલના 105 નંબરના રૂમમાં રોકાયો હતો
બીજેપીના નેતાની હત્યા માટે આવેલ શાર્પ શૂટર ઇરફાન શેખ શહેરના રિલિફ રોડ ખાતે આવેલી વિનસ હોટલમાં રોકાયો હતો.હોટલના જણાવ્યા પ્રમાણે આ વ્યક્તિ એકલો જ આવ્યો હતો અને તેણે એક દિવસ માટે હોટલમાં રૂમ બૂક કરાવ્યો હતો.હોટલમાં તે મંગળવારે સવારે 10 વાગ્યા આસપાસ આવ્યો હતો. હોટલના મેનેજરના કહેવા પ્રમાણે આ વ્યક્તિનું ઓળખપત્ર લઈને રજીસ્ટરમાં નોંધ કરવામાં આવી હતી.એટલું જ નહીં તેનો સામાન પણ તપાસમાં આવ્યો હતો.
સ્થાનિક પાસેથી હથિયાર લાવ્યાની આશંકાગોરધન ઝડફિયાની હત્યા માટે આવેલો વ્યક્તિ કોઈ સ્થાનિક વ્યક્તિ પાસેથી હથિયાર લાવ્યો હોવાની આશંકા પ્રબળ બની છે. હોટલના સ્ટાફના કહેવા પ્રમાણે તે અહીં આવ્યો ત્યારે કોઈ હથિયાર સાથે ન હતું.પરંતુ તે બપોર બાદ કોઈ ઝઘડો થયો છે અને તેનો ભાઈ લેવા માટે આવશે તેવું કહીને બહાર ગયો હતો.જે બાદમાં સાંજે તે પરત ફર્યો હતો.આ દરમિયાન તે કોઈ પાસે હથિયાર લેવા માટે ગયો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. હોટલના મેનેજરના કહેવા પ્રમાણે વ્યક્તિ બહાર ગયો ત્યારે હોટલનું કાર્ડ લઈને ગયો હતો.સાથે એવું પણ જણાવ્યું હતું કે તે પરત ફરશે ત્યારે ફોન કરશે.જોકે, તે પરત ફર્યો ત્યારે તેણે હોટલના સ્ટાફનો ફોન કર્યો ન હતો.
એટીએસ અને ક્રાઇમ બ્રાંચ પર ફાયરિંગ
વિનસ હોટલમાં કોઈ શાર્પ શૂટર રોકાયાની માહિતી મળ્યા બાદ રાત્રે 10 વાગ્યાની આસપાસ એટીએસ અને ક્રાઇમ બ્રાંચની ટીમ પહોંચી હતી.ટીમ જ્યારે પહોંચી ત્યારે શાર્પ શૂટરે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.જે બાદમાં ટીમે તેની અટકાયત કરી લીધી હતી.તપાસ કરતા તેના મોબાઇલમાંથી બીજેપીના નેતા ગોરધન ઝડફિયાની તસવીર મળી આવી હતી.એવી પણ માહિતી મળી છે કે આ વ્યક્તિએ બીજેપીના કાર્યાલય કમલમની પણ રેકી કરી હતી.


