સરકારે સોના પરની આયાત ડ્યુટી ૭.૫ ટકાથી વધારીને ૧૨.૫ ટકા કરતાં જેમ્સ ઍન્ડ જ્વેલરી ઉદ્યોગને લાગ્યો મોટો આંચકો:વેપારીઓનું કહેવું છે કે સરકારના આ નિર્ણયથી ભાવમાં વધારો તો થશે જ,પણ સાથે-સાથે માર્કેટમાંય મંદી ફેલાશે
ભારતની સોનાની આયાતને પ્રતિબંધિત કરવા અને છેવટે ડૉલરની ઉપલબ્ધતામાં સુધારો કરવાના હેતુથી ભારત સરકારે સોના પરની ઇમ્પોર્ટ ડ્યુટી ૭.૫ ટકાથી વધારીને ૧૨.૫ ટકા કરી દીધી છે.ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારાથી ભારતના જેમ્સ ઍન્ડ જ્વેલરી ઉદ્યોગને આશ્ચર્યજનક બહુ મોટો આંચકો લાગ્યો છે,કારણ કે આવાં કોઈ પગલાંની સરકાર પાસેથી અપેક્ષા નહોતી.સરકારના આ નિર્ણયથી સોનાના ભાવમાં વધારો થશે અને માર્કેટમાં મંદી ફેલાશે.
હકીકતમાં સરકારે થોડા મહિના પહેલાં સોના પરની આયાત ડ્યુટી ૨.૫ ટકા ઘટાડીને ૧૦ ટકામાંથી ૭.૫ ટકા કરી હતી.એનાથી ખરીદદારોને પ્રોત્સાહિત થયા હતા અને કોરાના વાઇરસ રોગચાળા દરમિયાન બે વર્ષના નીરસ વેચાણ પછી એકંદર ખરીદીની ભાવનાને સોનાની જ્વેલરીના વેપારીઓમાં પુનર્જીવિત કરી હતી.એટલું જ નહીં,સરકારે સોના પર હવે ૩ ટકા જીએસટી પણ લાદ્યો છે.ગયા મહિનામાં દેશની વેપારખાધ વિક્રમી ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી અને રૂપિયો તૂટ્યો હતો.એ પછી કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો હતો.
જોકે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી સોનાના વેપારીઓમાં હડકંપ મચી ગયો છે. સોનાના વેપારીઓ કહે છે કે ગોલ્ડ ઇન્ડસ્ટ્રી પહેલાંથી જ મંદીનો માર સહન કરી રહી છે.ઈમાનદાર વ્યાપારીની સામે સૌથી મોટી ચુનૌતી ભાવ-ફર્કની આવશે,જેનાથી ડિજિટલ લેણદેણમાં ઝટકો લાગશે.સરકારે પહેલાંથી જ સોનાના જ્વેલરીની નિર્યાત પર આયકરની છૂટ આપવી જોઈતી હતી જેથી વિદેશી કરન્સી દેશમાં આવી શકે અને ભારતીય કરન્સી મજબૂત થઈ શકે.સરકારના આ નિર્ણયથી સ્થાનિક બજારોમાં સોનાના ભાવમાં વધારો થશે.


