પણજી, તા. 20 માર્ચ 2022 રવિવાર : ભારતીય જનતા પાર્ટી ગોવામાં સતત બીજીવાર સરકાર બનાવવા જઈ રહી છે.સૂત્રો અનુસાર ભાજપ હાઈકમાન્ડે રાજ્યની કમાન પ્રમોદ સાવંતને સીએમ તરીકે સોંપવાનો નિર્ણય કર્યો છે. પ્રમોદ સાવંત બીજીવાર રાજ્યની ગાદી સંભાળી શકે છે.24 માર્ચે સાવંત સીએમ પદના શપથ લઈ શકે છે.ગોવા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 40માંથી 20 બેઠક પર જીત નોંધાવી છે.રાજ્યમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે.
ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા એટલે કે શનિવારે સાવંતે પોતાની પાર્ટીના સહયોગી વિશ્વજીત રાણેની સાથે નવી દિલ્હીમાં ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.રાણેએ મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.રાણેએ કહ્યુ,બેઠકમાં ગોવા સાથે જોડાયેલા વિભિન્ન મુદ્દા પર ચર્ચા થઈ.મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના બે ધારાસભ્યો અને ત્રણ નિર્દળીય ધારાસભ્યો સાથે ભારતીય જનતા પાર્ટી ત્રીજા કાર્યકાળ માટે તટીય રાજ્યમાં સરકાર બનાવશે.
પ્રમોદ સાવંતે સરકાર રચના પર ચર્ચા માટે PM મોદી સાથે કરી હતી મુલાકાત
ભાજપે ગોવામાં સરકાર રચનાની નજર માટે કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને એલ મુરુગનને સુપરવાઇઝર નિયુક્ત કર્યા છે.ગયા બુધવારે સાવંતે સરકારની રચના પર ચર્ચા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.તેમની સાથે ગોવા પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ,ડેસ્ક પ્રભારી સીટી રવિ,ગોવા ભાજપ અધ્યક્ષ સદાનંદ શેત તનવડે અને રાજ્ય મહાસચિવ સતીશ ધોની પણ હાજર હતા.પીએમ મોદી સાથે મુલાકાત બાદ સાવંતે ટ્વીટ કરી કહ્યુ હતુ,અમારી પાર્ટી ગોવાના લોકોની આભારી છે કે તેમણે અમને ફરીથી રાજ્યની સેવા કરવાનો જનાદેશ આપ્યો.અમે આગામી સમયમાં ગોવાની પ્રગતિ માટે કામ કરતા રહીશુ.