વર્ષ 2020ના મોટા ભાગના તહેવારોમાં કોરોના વિલન બન્યા બાદ 2021ના વર્ષના પ્રથમ તહેવાર ઉત્તરાયણની તૈયારીઓમાં પતંગરસિયા જોરશોરથી લાગી ગયા છે.સરકારે ઉત્તરાયણની ઉજવણીમાં પણ કેટલાંક નિયંત્રણો લાદ્યાં છે,પરંતુ પતંગરસિયાઓ આ પતંગપર્વની ઉજવણી માટે રીતસર થનગની રહ્યા છે.બીજી તરફ,દોરી-પંતગબજારને મંદી અને મોંઘવારીનો માર નડી રહ્યો છે.મોંઘાં પંતગો અને દોરીને લીધે લોકોએ ખરીદી પર કાપ મૂક્યો છે.તો સામે રોમટીરિયલ મોંઘું થતાં વેપારીઓને પંતગ-દોરીમાં ભાવ વધારવાની ફરજ પડી છે.ડિમાંડ પણ ઓછી અને 50 ટકા જેટલા ધંધાને માર લાગ્યો છે. લોકોની ડિમાન્ડ ઓછી થઈ ગઈ અને ઘરાકી 50 ટકા થઈ ગઈ.
અમે અત્યારે 40 ટકા ઓછો માલ મંગાવ્યો છે- પતંગના વેપારી
પતંગના વેપારી નિલેશ કુંડલિયાએ જણાવ્યું હતું કે માર્કેટમાં અત્યારે કોરોનાની,સરકારના નિયમોની અને મંદીની અસર જોવા મળી રહી છે.વેપાર ઓછો થઈ રહ્યો છે. વેપારીઓએ માલ ઓછો મગાવ્યો છે.ભાવમાં વધારો આવ્યો છે. જોઈએ એવી ઘરાકી નથી.40 ટકા ઓછો માલ મગાવ્યો છે.તેમ છતાં માલ વેચાતો નથી,કોરોનાને કારણે પતંગોની આવક પણ ઓછી છે.આમ, મંદીનો માહોલ છે.
પતંગ-દોરીના ભાવમાં 50 ટકા વધારો
કોરોનાએ એકપણ તહેવારને ઊજવવા દીધા નથી.સરકારે નિશ્ચિત ગાઇડલાઇન્સનો અમલ કરીને મકરસંક્રાંતિ ઊજવવા નાગરિકોને અપીલ કરી છે.હવે તો મકરસંક્રાંતિને ગણતરીના કલાકો જ બાકી છે છતાં હજુ સુધી બજારમાં ચહલપહલ જોવા મળતી નથી.આ વખતે પતંગ,દોરી વગેરે પણ ગત વર્ષની સરખામણીમાં 50 ટકા સુધી મોંઘાં બની ગયાં છે, આથી બજારોમાં કોઇ ખરીદદાર દેખાતો નથી અને વેપારીઓ લેવાલીની રાહમાં છે.


