નવી દિલ્હી : તા.24 મે 2022,સોમવાર : ઈતિહાસની સૌથી ભયંકર આર્થિક કટોકટીનો સામનો કરી રહેલ શ્રીલંકા માટે ભારતે ફરી મદદનો હાથ લંબાવ્યો છે.શ્રીલંકાને જરૂરી ખાદ્યવસ્તુઓ બાદ ગત સપ્તાહે ઘઉં અને હવે પેટ્રોલ-ડીઝલની લ્હાણી ભારત સરકારે કરી છે.ભારતમાં મોંઘવારી ચરમસીમાએ છે.નરેન્દ્ર મોદીના નેજા હેઠળની બીજેપીની સરકારની રચના બાદના સર્વોચ્ચ સ્તરે પહોંચેલ મોંઘવારી દરને કાબૂમાં કરવા 22મી મેના રોજ સરકારે પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી હતી પરંતુ તેનાથી મોંઘવારીનો દર માત્ર 0.25% જ નીચે આવવાની સંભાવના છે.જોકે દ્દેશની આ કપરી પરિસ્થિતિમાં પણ આપણે પાડોશી દેશ લંકાને એક બાદ એક મદદ કરી રહ્યાં છે.ભારતે પોતાના પાડોશી ધર્મની ભૂમિકા ભજવતા પોતાના નાદારીના દ્રારે પહોંચેલ દેશ શ્રીલંકાને ખરાબ સમયમાં મદદ કરી છે.જો કે આ પહેલીવાર નથી જ્યારે ભારતે શ્રીલંકાને પેટ્રોલ મોકલીને મદદ કરી હોય.આ પહેલા ભારતે શ્રીલંકાને બે વખત પેટ્રોલ આપીને મદદ કરી હતી.સોમવારે ભારતે ફરી એકવાર શ્રીલંકાને 40000 મેટ્રિક ટન પેટ્રોલ મોકલ્યું છે.આ ઈંધણનો જથ્થો આજે શ્રીલંકાની રાજધાની કોલંબો પહોંચશે.

