અમદાવાદ : ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ત્રિપદા સ્કૂલ કેમ્પસમાં ચાલતી ગુજરાતી માધ્યમની અતુલ પ્રાથમિક સ્કૂલ બંધ કરવાના નિર્ણય સામે વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.સ્કૂલ દ્વારા તમામ વિદ્યાર્થીઓને એલસી આપી દીધા હતા અને અન્ય સ્કૂલમાં પ્રવેશ લઈ લેવા માટે જણાવ્યું હતું.ઉપરાંત RTEના તમામ વિદ્યાર્થીઓને એક સાથે બેસાડી અભ્યાસ કરાવાતો હોવાની ફરિયાદ બાદ વાલીઓ અને NSUI દ્વારા સ્કૂલ પર હોબાળો મચાવ્યો હતો.ચાલુ સત્રમાં વાલીઓને અન્ય જગ્યાએ પ્રવેશ લેવામાં મુશ્કેલી પડશે.જોથી વિદ્યાર્થીઓ રખડી ન પડે તે માટે બીજી સ્કૂલમાં પ્રવેશ અપાવવા માંગણી પણ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઘાટલોડિયા ખાતે ત્રિપદા કેમ્પસમાં ગુજરાતી માધ્યમની અતુલ પ્રાથમિક સ્કૂલ આવેલી છે.સંચાલકો દ્વારા ગુજરાતી માધ્યમની સ્કૂલ બંધ કરી અંગ્રેજી માધ્યમની જ સ્કૂલ ચલાવવા માંગતા હોવાથી 2021માં તેમણે સ્કૂલ બંધ કરવા માટે દરખાસ્ત કરી હતી.જેથી તેમને ક્રમશઃ સ્કૂલ બંધ કરવા માટે સૂચના આપવામાં આવી હતી.જોકે,તેમ છતાં સંચાલકો દ્વારા આ વર્ષે શૈક્ષણિક સત્ર શરૂ થયા પછી સ્કૂલના ધોરણ-1થી 8ના વર્ગો બંધ કરી દેવાની જાહેરાત કરતા વાલીઓ અટવાયા હતા.
સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ ફી ભરીને અભ્યાસ કરતા હતા તે તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ સંચાલકો તરફથી એલ.સી.આપી દેવામાં આવ્યા છે.જેથી ચાલુ શૈક્ષણિક સત્રમાં તેમને બીજી સ્કૂલોમાં પ્રવેશ લેવામાં પણ ભારે મુશ્કેલી પડશે.બીજી બાજુ આ સ્કૂલમાં ધોરણ-3થી 8માં RTEના પણ 32 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.જોકે,સ્કૂલ દ્વારા તેમને એલસી આપી શકાય તેમ ન હોવાથી RTEના તમામ ધોરણના વિદ્યાર્થીઓને એક જ વર્ગમાં એક સાથે બેસાડી એક જ શિક્ષક દ્વારા અભ્યાસ કરાવવામાં આવતો હોવાની પણ ફરિયાદ ઉઠી હતી.જેને લઈને RTEમાં પ્રવેશ લેનારા વાલીઓમાં પણ આક્રોશ ફેલાયો હતો.
RTEમાં પ્રવેશ લેનારા વાલીઓને પણ સંચાલકોએ બોલાવી શાળા બંધ કરવામાં આવતી હોવાનું જણાવી અન્ય સ્કૂલમાં પ્રવેશ લઈ લેવા માટે સૂચના આપી હોવાનું જાણવા મળે છે.આમ,આ તમામ મુદ્દાઓને લઈને બુધવારે વાલીઓ અને NSUIના ગુજરાત યુનિવર્સિટીના વેલફેર મેમ્બર સંજય સોલંકી સહિતની ટીમ સ્કૂલ પર પહોંચી હતી અને ત્યાં ભારે હોબાળો મચાવ્યો હતો.વિદ્યાર્થીઓને ચાલુ સત્રમાં એલસી આપી દેવા સહિતના મુદ્દે વાલીઓ અને વિદ્યાર્થી નેતાઓએ હોબાળો મચાવતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.આ ઘટનાને લઈને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા એક તપાસ સમિતિની રચના કરી છે.આ સમિતિએ સ્કૂલ પર જઈને તપાસ કરી હોવાનું પણ જાણવા મળે છે.જેથી સ્કૂલ પર કરેલી તપાસ અંગેનો રિપોર્ટ ડીઈઓને સોંપવામાં આવશે.ત્યારબાદ સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવશે.તપાસ સમિતિ દ્વારા RTEના વિદ્યાર્થીઓને એક જ વર્ગમાં બેસાડી ભણાવાતા હોવાની ફરિયાદ મુદ્દે પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.


