રાંચી : રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવને ઝારખંડ હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે.તેમને ઘાસચારા કૌભાંડ સંબંધિત ડોરાન્ડા ટ્રેઝરીમાંથી ગેરકાયદેસર ઉપાડના કેસમાં જામીન આપવામાં આવ્યા છે.આ કેસમાં લાલુને સીબીઆઈની વિશેષ અદાલતે પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી.હાઈકોર્ટે લાલુ પ્રસાદની જામીન અરજી સ્વીકારી લીધી છે.લાલુ પ્રસાદે દંડ તરીકે દસ લાખ રૂપિયા જમા કરાવવા પડશે.ચારા કૌભાંડના ડોરાન્ડા ટ્રેઝરીમાંથી ગેરકાયદેસર ઉપાડના કેસમાં સીબીઆઈ કોર્ટે લાલુ પ્રસાદને પાંચ વર્ષની જેલ અને 60 લાખનો દંડ ફટકાર્યો હતો.આ સાથે લાલુને હવે ચારા કૌભાંડના તમામ કેસમાં જામીન મળી ગયા છે.પૂર્વ મુખ્યમંત્રી પર ચારા કૌભાંડના પાંચ કેસ નોંધાયા હતા અને તમામમાં સજા થઈ ચૂકી છે.સજા સામે લાલુ પ્રસાદે હાઈકોર્ટમાં અપીલ સાથે જામીન અરજી દાખલ કરી હતી.લાલુ પ્રસાદે અડધી સજા ભોગવવા અને સ્વાસ્થ્યના કારણોસર જામીન માંગ્યા હતા.લાલુ પ્રસાદ હાલમાં બીમાર છે અને દિલ્હીની એમ્સમાં તેમની સારવાર ચાલી રહી છે.

