પશ્ચિમ બંગાળથી અપહરણ કરાયેલી 18 વર્ષિય યુવતીને દિલ્હીમાં ગોંધી રખાયા બાદ ત્યાંથી સુરતમાં કાપડ વેપારીના ઘરે ઘરકામ માટે લવાઈ હતી.પોલીસે વેપારીના ઘરેથી યુવતીને રેસ્ક્યુ કરાવી હતી. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઈ એ.જે.ચૌધરીએ જણાવ્યું કે,પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાની 18 વર્ષિય માધવી( નામ બદલ્યું છે) 25 જાન્યુ.ના રોજ ઘરેથી નીકળી હતી. તેની ઓળખીતી મયુરી નામની યુવતી મિત્ર વર્તુળમાં એકનો જન્મ દિવસ છે કહીને ઘરેથી લઈ ગયા બાદ ફરવાનું કહી દિલ્હી લઈ આવી હતી.
દિલ્હીમાં ચૌહાણ બ્રધર્સ પ્લેસમેન્ટ એજન્સીને સોંપી માધવી પાસેથી ફોન લઈ લીધો હતો. ત્યાર બાદ ચૌહાણ બ્રધર્સે સુરતના ઘોડદોડ રોડ પર મેઘરથ એપાર્ટમેન્ટમાં રહેતા કાપડ વેપારી સત્યનારાયણ રાઠીના ઘરે મુકી ગયા હતા. દિલ્હીની એજન્સી મિશન મુક્તિ ફાઉન્ડેશને ખબર પડી કે,માધવી સુરતમાં સત્યનારાયણ રાઠીને ત્યાં છે તો તેઓેએ જલપાઈગુડીના એસપીને જાણ કરી હતી.
જલપાઈ ગુડીના મેટલી પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાયો હતો. ત્યાંથી સુરત પોલીસને જાણ કરાતા સુરતની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે સત્યનારાયણ રાઠીના ઘરે છાપો મારી માધવીને મુક્ત કરાવી નારી ગૃહમાં મોકલી છે.વેપારી સત્યનારાયણ રાઠીએ દિલ્હીની એજન્સીને રૂપિયા 3 હજાર આપ્યા હતાં.ત્યાર બાદ માધવીને વેપારીને ત્યાં ઘરકામ માટે રાખવામાં આવી હતી. વેપારીએ માધવીને એક પણ રૂપિયો આપ્યો ન હતો.
મુક્ત કરાવવા વીડિયોમાં હાથ જોડીને વિનંતી કરી
માધવીએ સત્યનારાયણ રાઠીના ઘરમાં જ એક વીડિયો બનાવ્યો હતો. તેમાં તે પોતાનું નામ બોલે છે તેમજ તે બર્થ ડેમાં લઈ જવાનું કહીને એક યુવતી તેનું અપહરણ કરીને લઈ ગઈ હતી.હાલ ગુજરાતમાં છે અને ત્યાં તેને ખુબ જ ટોર્ચર કરાય છે. તેને ત્યાં રહેવું નથી,પ્લીઝ અહીંથી તેને કાઢવામાં આવે.માધવી રીતસર હાથ જોડે છે.
વેપારી સત્યનારાયણ રાઠી સામે પણ કાર્યવાહી કરાશે’
ઇન્સ્પેક્ટર એ.જે.ચૌધરીએ જણાવ્યું હતું કે,સત્યનારાયણ રાઠી વિરુદ્ધ પણ સ્થાનિક સ્તરે કાયદેસરની કાર્યવાહી થશે.


