બીએમસીએ દાવો કર્યો હતો કે આ ચોમાસામાં અહીં પાણી નહીં ભરાય,પણ ગઈ કાલે સવારે ગોઠણ સુધી પાણી ભરાવાથી ટ્રાફિકની સમસ્યા જોવા મળી અનેક વર્ષથી દક્ષિણ મુંબઈમાં આવેલા હિન્દમાતા વિસ્તારમાં ચોમાસામાં જરા પણ વરસાદ પડે તો પાણી ભરાવાની સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે.બીએમસીએ વરસાદના પાણીનો તરત નિકાલ થાય એ માટે નજીકના ગાર્ડનમાં અન્ડરગ્રાઉન્ડ ટાંકીઓ બનાવી છે એટલે આ વખતે રસ્તામાં પાણી નહીં ભરાય એવો દાવો કર્યો છે.મંગળવારે અટકી-અટકીને વરસાદ થયો હતો એટલે વાંધો નહોતો આવ્યો,પણ ગઈ કાલે સવારના ભારે વરસાદ થવાથી અહીં ફરી પાણી ભરાયાં હતાં.આથી મંગળવારે પાણી ન ભરાતાં બીએમસીના અધિકારીઓ પોતાની પીઠ થાબડતા હતા તો ૨૪ કલાકમાં એવું શું થયું કે તેઓ વરસાદના પાણીનો સમયસર નિકાલ ન કરી શક્યા એવો સવાલ થાય છે.
મંગળવારે મધ્યમથી ભારે વરસાદ થયા બાદ પણ હિન્દમાતા વિસ્તારમાં પાણી નહોતાં ભરાયાં.આથી સ્થાનિક રહેવાસીઓની સાથે અહીંથી વાહનોમાં પસાર થનારા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.બીએમસી દ્વારા પણ બે દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો હોવા છતાં પાણી ન ભરાયાં હોવાના ફોટો અને વિડિયો સોશ્યલ મીડિયા પર અને પત્રકારોને શૅર કરીને જાણે ચમત્કાર થયો હોય એવો દાવો કરવામાં આવ્યો હતો.
જોકે લોકોનો હાશકારો ૨૪ કલાક પણ નહોતો ટક્યો.ગઈ કાલે સવારના હિન્દમાતા અને આસપાસના વિસ્તારોમાં સવારના સમયે પડેલા ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયાં હતાં.પાણી ભરાયાં હોવાના સમાચાર ટીવીમાં આવતાં બીએમસીનો સ્ટાફ સફાળો જાગ્યો હતો અને કામે લાગતાં એકાદ કલાક બાદ પાણી ઓસરી ગયું હતું.બીએમસીએ આપેલી માહિતી મુજબ સવારના સમયે ભારે વરસાદની સાથે સમુદ્રમાં ભરતી હોવાને લીધે વરસાદનું પાણી નીકળવામાં સમય લાગ્યો હતો એટલે હિન્દમાતા અને આસપાસના વિસ્તારોમાં અમુક સમય સુધી પાણી ભરાયેલું રહ્યું હતું.જોકે બાદમાં વરસાદનું જોર ઘટવાથી પાણીનો ઝડપથી નિકાલ થઈ ગયો હતો અને ટ્રાફિક પણ સામાન્ય થઈ ગયો હતો


