બારડોલી : શ્રી ચલથાણ વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીની 51મી વાર્ષિક સાધારણ સભામાં સંસ્થાના પ્રમુખ કેતન પટેલે જણાવ્યુ હતું કે હાલમાં કોરોના મહામારી ને લઈ ખાંડનું લોકલ બજાર 50 ટકાથી નીચે જતું રહ્યું હોય દરેક સુગર ફેકટરીઓને બફર સ્ટોકનો સામનો કરવો પડી રહ્યો છે.આવી પરિસ્થિતમાં શેરડીની ગત સિઝનની કાપણી દરમ્યાન પણ મજૂરો વતન તરફ જતાં રહ્યા હતા.ત્યારે આ વર્ષે પણ હાલમાં કોરોના કેસોની સંખ્યા વધતાં મજૂરો ધીમે ધીમે ઘટી રહ્યા છે.
ચલથાણ સુગર ફેક્ટરીની 51મી સાધારણ સભામાં કેતન પટેલે જણાવ્યુ હતું કે સંસ્થા 363 કરોડનું ટર્ન ઓવર કરે છે.સંસ્થામાં ગત પીલાણ સિઝન દરમ્યાન 8,02,776.560 મે. ટન શેરડીનું પીલાણ કરી 8,35,000 ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન કરી 10.32 ટકા રિકવરી પ્રાપ્ત કરી હતી.આ ઉપરાંત સંસ્થાએ 92.64 લાખ લિટર રેકટીફાઇડ સ્પિરિટ 41.30 લાખ લિટર ઇથેનોલ તથા 26,017 મે. ટન બાયોકંપોસ્ટ ખાતર, 16,920 કલ્યાણ કમ્પોઝ ખાતરની બેગ,તથા 3334 વર્મીકમ્પોઝ ખાતર બેગનું ઉત્પાદન કર્યું હતું.કેતન પટેલે જણાવ્યુ હતું કે શેરડીમાંથી ઉત્પાદન થતી ખાણ મોલાસિસ,આલ્કોહોલ કે ઇથેનોલના ઉત્પાદન પર સરકારનું નિયંત્રણ છે.જ્યારે ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે નવા રસ્તા શોધવા પડશે.સુગર ફેક્ટરીએ પીલાણ સિઝન 2019-20 દરમ્યાન 2.060 મે.ટન એકકર દીઠ ઉત્પાદનમાં વર્ષ 2018-19ની સાલ કરતાં ઘટાડો આવ્યો છે.આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતું કે ચલથાણ સુગર ફેકટરીને ગત સિઝન દરમ્યાન મોડીફિકેશનને લઈને કેટલીક ટેકનિકલ અગવડો ઊભી થઈ હતી જોકે ચાલુ સિઝન દરમ્યાન આ અગવડોમાં સતત ઘટાડો આવી રહ્યો છે.


