સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં ચલથાણ ગામની સીમમાં હાઇવે ઉપરથી પોલીસે બાતમીના આધારે 18 ગાય ભરેલ ટ્રક ઝડપી ચાર લોકો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.કડોદરા પોલીસે બાતમીના આધારે ટ્રક અટકાવી તપાસ કરી હતી.જેમાં ઘાસચારાની સુવિધા વગર ક્રુરતાપૂર્વક દોરડા વડે બાંધેલા પશુઓ પાસ પરમીટ વગર પરિવહન કરતા મળી આવતા ટ્રક ચાલક અને ક્લીનર સહિત ચાર વ્યક્તિને ઝડપી પાડ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ગૌરક્ષકોની ટીમે બાતમીના આધારે કામરેજ ટોલનાકા નજીક વોચ ગોઠવી હતી તે દરમ્યાન બાતમી મુજબની ટ્રક નંબર પી.બી-10-એચ.પી-5055 આવતા તેને અટકાવવાની કોશિશ કરી હતી.પરંતુ ચાલકે ટ્રક ઊભી રાખી ન હતી અને જેથી ગૌરક્ષોની ટીમે તેનો પીછો કરતાં ચાલકે ટ્રક પલસાણા તાલુકાનાં ચલથાણ ગામની સીમમાં ઊભી રાખી હતી.ત્યારબાદ ટ્રકની પાછળના ભાગે તપાસ કરતાં તેમાં 18 જેટલી ગાયો ઘાસચારાની સુવિધા વગર ક્રુરતાપૂર્વક દોરડા વડે બાંધેલ હતી. પશુઓ પાસ પરમીટ વગર પરિવહન કરી રહ્યા હતા.પોલીસે ટ્રકનો ચાલક ગુરુદીપ શેરસિંગ રાજપૂત (રહે, ગુરુનાનક નગરની ગલીમાં, લુધિયાણા પંજાબ), લખવીન્દરસિંગ ગુરુદીપ મજબીતશીખ (રહે, લીલેડી રોડ, લુધિયાણા, પંજાબ), સિકંદર આગમલ્લા પાસવાન (રહે, ગુજજરબાર, લુધિયાણા, પંજાબ), પંજનારામ ચંજનલાલ રામ (રહે, માલકગામ, લુધિયાણા, પંજાબ) ને ઝડપી પાડી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.