ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવા બાબતે કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) આગળ આવ્યું છે.આ માટે એક મોટી ઝુંબેશ 10 જૂનથી શરૂ કરવાનું નક્કી કર્યું છે.આ ઝુંબેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફૉર લોકલ’ અભિયાનને પ્રોત્સાહન આપશે. CAIT દ્વારા કહેવામાં આવ્યું છે કે, અમારું ધ્યેય છે કે ડિસેમ્બર 2021 સુધી ભારતમાં ચાઇનીઝ વસ્તુઓની આયાતમાં લગભગ દોઢ લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થવો જોઈએ.
CAITએ ચીનથી આયાત થતા લગભગ 3,000 એવા ઉત્પાદનોની યાદી બનાવી છે જેની આયાત ન થવાથી ભારતને કોઈ ફરક નહીં પડે અને આ બધી વસ્તુઓ પહેલેથી જ ભારતમાં બની રહી છે. CAITના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવિણ ખંડેલવાલે ક્હયું હતું કે,આ અભિયાન અંતર્ગત CAITના વેપારીઓને ચાઇનીઝ વસ્તુઓનું વેચાણ ન કરવાની વિનંતી કરવામાં આવશે અને ગ્રાહકોને ચાઇનીઝ વસ્તુઓને બદલે સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ કરવામાં આવશે. ભારતના ઉદ્યોગપતિઓ અને નાગરિકોએ ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવાનો સંકલ્પ લીધો છે.આ કામ એક રાતમાં નહીં થાય.પણ અમે તેની શરૂઆત કરીશું અને અને અમારું લક્ષ્ય પ્રાપ્ત કરીશું.
પ્રવિણ ખંડેલવાલે વધુમાં ક્હયું હતું કે, 2017-18માં ચીનથી થતી આયાતની કિંમત જે 76 અબજ ડૉલર હતી તે આ વર્ષે ઘટીને 70 અબજ ડૉલર થઈ ગઈ છે.આ 6 અબજનો ઘટાડો દર્શાવે છે કે,સ્વદેશી માલનો ઉપયોગ થઈ રહ્યો છે અને ઉપભોક્તાઓની ભાવનાઓ બદલાઈ રહી છે.આ પ્રકારના પ્રયત્નોથી ડિસેમ્બર 2021 સુધી લગભગ 13 અબજ ડૉલર એટલે કે એક લાખ કરોડ રૂપિયાની ચાઇનીઝ વસ્તુઓની આયાતમાં ઘટાડો થશે.


