નવી દિલ્હી તા. ૨૫ : ભારતીય બજારમાં ચાઇનીઝ સ્માર્ટફોનનું વેચાણ વર્ષના બીજા ત્રિમાસિક ગાળા એટલે કે એપ્રિલથી જૂન ૨૦૨૦ વચ્ચે ઘટીને ૭૨ ટકા પર આવી ગયું છે.જે અગાઉના ત્રિમાસિક ગાળામાં ૮૧% હતું. જેનું સૌથી મોટું કારણ ચીન સાથે ગલવાન ખીણમાં વિવાદ બાદ ઉગ્ર બનેલી ચીનવિરોધી લાગણી મનાય છે. રિસર્ચ કંપની કાઉન્ટરપોઇન્ટના રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. રિપોર્ટ મુજબ,દેશના સ્માર્ટફોન માર્કેટ પર ઓપ્પો,વીવો અને રિયલમી જેવી ચાઇનીઝ બ્રાન્ડ્સનો દબદબો હતો પણ હવે તેમની ભાગીદારી ઘટી રહી છે.
રિપોર્ટ મુજબ એપ્રિલથી જૂન સુધીના ત્રિમાસિકગાળામાં દેશમાં સ્માર્ટફોનનું વેચાણ વાર્ષિક ધોરણે ૫૧% ઘટીને ૧.૮ કરોડ યુનિટ જેટલું રહ્યું. જેમાં બીજુ મહત્વનું કારણ લોકડાઉનના પ્રથમ ૪૦ દિવસ મેન્યુફેકચરિંગ ફેસિલિટી અને સેલ્સ બિલકુલ બંધ હોવાથી સ્માર્ટફોનના વેચાણને મોટી અસર થઈ છે.
કાઉન્ટરપોઇન્ટના સીનિયર રિસર્ચ એનાલિસ્ટ પ્રાચીર સિંહે કહ્યું કે ઓપ્પો, વીવો અને રિયલમી જેવી મુખ્ય ચાઇનીઝ બ્રાન્ડ્સના સપ્લાયને અસર થઇ છે.સાથે જ દેશમાં ચીનવિરોધી લાગણી મજબૂત થઇ તેની અસર પણ પડી છે.તો આ ઉપરાંત સરકાર દ્વારા ચીનની ૫૦ જેટલી એપ પર પ્રતિબંધ મૂકયા બાદ ચીનથી આવતી પ્રોડેકટને વધુ આકરી ચકાસણીમાંથી પસાર થવું પડે છે તેના કારણે પણ આ પ્રોડકટ માર્કેટમાં પૂરતી ન પહોંચતા તેની અસર વેચાણ પર જોવા મળે છે.
જોકે સસ્તા ચાઈનીઝ ફોન અને ભારતના અંતરિયાળ વિસ્તાર સુધી આ પ્રોડકટની અવેબિલિટીની સામે ગ્રાહકો પાસે હાલ બીજા ઓપ્શન ખૂબ જ જૂજ છે. કાઉન્ટરપાર્ટના રિપોર્ટનું માનીએ તો હાલની સ્થિતિમાં સેમસંગ જેવી કંપની માટે ભારતીય માર્કેટ સર કરવામાં વધુ સરળતા રહેલી છે.તો દેશી મોબાઈલ કંપનીઓ લાવા અને માઇક્રોમેકસ પાસે પણ આ તક રહેલી છે.